વિપક્ષી નેતા સહિતના કોંગ્રેસના કાર્યકરોનો પાણી માટે કમિશનર બંગલે હલ્લાબોલ
13, મે 2022

અમદાવાદ, અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં પાણીના પ્રેશરની સમસ્યા સર્જાઇ રહી છે. પાણી આવતું જ ન હોવાની લોકો વારંવાર ફરિયાદો કરી રહ્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, કોંગ્રેસના કોર્પોરેટરો સહિત લોકો પાણીની ડોલ, બ્રશ લઈ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાના લો ગાર્ડન સ્થિત બંગલે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને લોકોએ હાય રે કમિશનર હાય હાય અને પાણી આપો પાણી આપોની માગ કરી વિરોધ કર્યો હતો. કમિશનર બંગલાની બહાર કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી.

તો બીજી તરફ સરદાર નગરમાં ભાજપના નેતાઓ વચ્ચે જ પાણીના મામલે મહાભારત સર્જાયુ હતું. સરદારનગરના મહિલા કોર્પોરેટના પતિ નિલેશ મકવાણા અને ભાજપના મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ વચ્ચે જાેરદાર બોલાચાલી થઇ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યોહતો. સરદારનગર વિસ્તારમાં ખોડીયારનગરમાં પાણીના કનેક્શન બાબતે સરદારનગર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર મિત્તલ મકવાણાના પતિ નિલેશ મકવાણા અને ભાજપ મહિલા મોરચાના વોર્ડ મહામંત્રી નિરુબેન વચ્ચે બોલાચાલી થઇ હોવાનો વીડિયો સામે આવ્યો છે.

ખુદ ભાજપના જ મહિલા નેતા દ્વારા પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને તેમણે આક્ષેપ કર્યો હતો કે, આગળ લાઈનમાં બંધ કરી દીધી છે. . જેના પગલે મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા આગળના દરેક લોકોને પાણી આવે છે, માત્ર તમારે કેમ પાણી નથી આવતું કહી બોલાચાલી થઈ હતી. આ મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution