માંજલપુરમાં વધુ એક કૃત્રિમ તળાવ બનાવવા કામગીરી શરૂ

વડોદરા, તા.૧૬

ગણેશ મહોત્સવને હવે માત્ર ત્રણ કિવસ બાકી છે.વડોદરાનાગણેશ મંડળો દ્વારા વાજતે ગાજતે શ્રીજીની મૂર્તિઓ સોસાયટીઓ,પોળો અને મહોલ્લામાં બનાવેલા આકર્ષક પંડાલોમાં લાવવામાં આવી રહી છે. તો બીજી બાજુ કોર્પોરેશન દ્વારા શ્રીજી વિસર્જન માટે આગોતરું આયોજન શરૂ કરી દેવામાં આવ્યુ છે. જેમાં શહેરના માંજલપુર વિસ્તારમાં વધુ એક કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. માંજલપુરમાં સ્મશાન સામેના પ્લોટમાં હાલ ૧૫×૧૫ મીટર અને સાત ફૂટ ઊંડું તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ તળાવમાં નાની એટલે ૬ થી ૭ ફૂટ સુધીની મૂર્તીનુ વિસર્જન કરી શકાશે.આમ આ વર્ષે પાંચમુ કૃત્રીમ તળાવમાં પણ ગણેશ મંડળો શ્રીજીની પ્રતીમાનુ વિસર્જન કરી શકશે.

શહેરના દક્ષિણ વિસ્તારમાં કોઈ કૃત્રિમ તળાવ નહીં હોવાથી આ વિસાતારના ગણેશ આયોજકોને વિસર્જન માટે દૂર સુધી એટલે સોમા તળાવ કે નવલખી કૃત્રીમ તળાવ સુધી આવવું પડતું હતું. ત્યારે કોર્પોરેશન ના નવા હોદ્દેદારો દ્વારા છેલ્લા બે દિવસથી કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ અગાઉ નવલખી કૃત્રિમ તળાવમાં પાણી ભરવાની શરૂઆત પણ કરવામાં આવી છે. નવલખી ખાતેનુ સૌથી મોટું કૃત્રિમ તળાવ છે.મોટી મૂર્તિઓનુ અહીં વિસર્જન કરવામાં આવે છે. આ વખતે વધુ ઊંચી મૂર્તિઓની સ્થાપના થાય તેવી શક્યતા છે.ત્યારે દર વર્ષની જેમ સોમા તળાવ પાસે, હરણી સમા લિંક રોડ અને ગોરવા દશામા તળાવ ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. ે હરણી સમા લિંક રોડ પરનું તળાવ પણ ગત વર્ષોની સરખામણીમાં મોટું બનાવવાનું કામ હાથ ધરાયું છે.

ત્યારે માંજલપુર ખાતે બનાવવામાં આવી રહેલા નવા કૃત્રીમ તળાવમાં ૬ થી ૭ ફૂટ સુધીની શ્રીજીની પ્રતીમાં ગણેશ મંડળો વિસર્જન કરી શકે તે માટે આ તળાવ પર પણ તમામ વ્યવસ્થા ઉભી કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા શરૂ કરાઈ છે. આ તળાવામ ૧૫૦૦ જેટલી પ્રતિમાનુ વિસર્જન થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

પાલિકા અને પોલીસના સંકલનથી ગણેશ મંડળો માટે વધુ એક કૃત્રિમ તળાવ

માંજલપુર પોલીસ મથકના પો.ઇ. ડી.બી. વાળાએ જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારના ગણેશ મંડળો શ્રીજીનુ વિસર્જન શાંતિમય રીતે ધામધૂમ પુર્વક કરી શકે તે માટે પોલીસ દ્વારા પાલિકાને માંજલપુર વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવાનું સુચન કરતા પાલિકા અને પોલીસના સંકલનથી માંજલપુર સ્મશાન સામે વધુ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં માંજલપુર વિસ્તારના વિવિધ ગણેશ મંડળો આ કૃત્રિમ તળાવમાં શ્રીજીનુ વિસર્જન કરી શક્શે. અગાઉ માજંલપુરના તમામ ગણેશ મંડળોને નવલખી કૃત્રિમ તળાવ પર કે પછી તરસાલી સોમા તળાવ પાસે આવેલ કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીનુ વિસર્જન કરવા જવુ પડતુ હતું.