આણંદ, તા.૨૫ 

કોરોનાનો કહેર આણંદનો પીછો છોડતો નથી. આણંદ જિલ્લામાં હવે બાકી રહેલાં વિસ્તારોમાં કોરોના ફરી વળ્યો હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. એકબાદ એક શહેર અને ગામોમાં કોરોનાના કેસો બહાર આવતાં હડકંપ મચી ગયો છે. આણંદ જિલ્લામાં કોરોનાનો જે રીતે વિસ્ફોટ થઈ રહ્યો છે એ જાતાં આગામી દિવસો ખુબ જ સંભાળવા જેવાં લાગી રહ્યાં છે. આજે આવેલાં નવાં ૮ કેસમાં આણંદ શહેરમાં ૩, વલાસણમાં ૨, સોજિત્રા, ભાલેજ, ખાનપુરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

આજે આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી અનુસાર ગઈકાલે સાંજ સુધીમાં ૫ અને આજે સવારે ત્રણ એમ મળીને કુલ ૮ કેસો પોઝિટિવ મળી આવ્યાં છે. શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં નવાં નવાં સ્થળો પર પણ કોરોનાનું સંક્રમણ શરૂ થતાં ચિંતાના વાદળો ઘેરાયાં છે.

આણંદ શહેરના પોલસન ડેરી રોડ ઉપર આવેલી મિસ્ફાહ સોસાયટીમાં રહેતાં ૫૩) વર્ષના પુરુષ, સો ફૂટના રોડ ઉપર રહેતાં ૫૫ વર્ષના પુરુષ) અને ભાલેજ રોડ ઉપર આવેલાં ઉમરીનગરમાં રહેતાં ૭૨ વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યાં છે. આ ત્રણેય દર્દીને વડોદરાની એમએમ હોસ્પિટલમાં આઇસોલેટ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે. આણંદ પાલિકાની ટીમે આ ત્રણેયના ઘરની આસપાસના વિસ્તારોને સેનિટાઇઝ કરીને સીલ કરી દીધાં હતાં. આ ઉપરાંત દર્દીના પરિવારના સભ્યોને ક્વોરન્ટીન કરીને તેમનાં પણ સેમ્પલો લેવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત જિલ્લાના સોજિત્રાના નવાચોક વ્હોરવાડમાં રહેતાં ૬૮ વર્ષના વૃદ્ધ, બોરસદ તાલુકાના ખાનપુરના ૪૪ વર્ષના પુરુષ, ભાલેજની માયાવતન સોસાયટીમાં રહેતાં ૬૭ વર્ષના વૃદ્ધ અને વલાસણ ગામે રહેતાં ૭૬ વર્ષના તથા ૬૬ પુરુષ નો પણ રિપોર્ટ પણ કોરોના પોઝિટવ આવ્યો છે. વલાસણના બંને વૃદ્ધ દર્દીઓને આણંદની અશ્વિની મેડિકલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સ્થળોએ મેડિકલ ટીમને કામે લગાડીને ડોર ટુ ડોર સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દર્દીઓના નજીકના લોકો અને પરિવારજનોની તપાસ કરી જરૂરત જણાઈ ત્યાં સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવી છે. ગઈકાલે સાંજ અને આજે સવાર મળીને કુલ ૮ પોઝિટિવ કેસોથી આરોગ્ય અને વહિવટીતંત્રની ઊંઘ ઉડી ગઈ છે. એક તરફ અનલોક વન પછી કોરોનાનો કકળાટ વધ્યો છે ત્યાં હવે અનલોક ટુ આવી રહ્યું છે. ૧ જુલાઈ પછઈ અનલોક ટુ શરૂ થવાનું છે. અનલોક ટુમાં વધું છુછાટની વાત થઈ રહી છે ત્યારે આણંદ શહેર અને જિલ્લા પર કોરોનાનું સંકટ વધી ગયું છે. આણંદ માટે અનલોક વનમાં છુટછાટ પછી મુશ્કેલીઓ વધી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

હવે રોજગાર-ધંધાને વધુ સમય ખુલ્લા રાખવાની છૂટ મળ્યાં પછી આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો જાવા મળશે, તો એવી ચિંતા નવગરજનોમાં જાવા મળી છે.