ગાંધીનગર

રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસમાં વધારો થશે, બાદમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. વિધાનસભા અને સીએમ કાર્યાલયમાં અધિકારીઓ અને ધારાસભ્યો કોરોના પોઝિટીવ આવ્યાં છે. ત્યારે વિધાનસભાનું સત્ર ટૂંકાવાશે કે નહીં તે અંગે રૂપાણીએ કહ્યું હતું કે વિધાનસભાનું સત્ર ટૂંકાવાશે નહીં, 8 જેટલા વિધેયક પસાર કરીને નિયત કરેલા સમયે સત્ર પૂર્ણ થશે.

રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાનું હાલ ચાલી રહેલું અંદાજપત્ર સત્ર ટુંકાવવાની કોઇ જ વાત નથી. ગૃહના કામકાજના હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે અને ગૃહ નિર્ધારીત સમય મુજબ તા. 1 એપ્રિલે જ પૂર્ણ થશે. વિધાનસભાના કામકાજમાં હવે આવતીકાલથી હોળી-ધૂળેટીના તહેવારની ત્રણ દિવસની રજા છે. ત્યાર પછી જ્યારે ગૃહ મળશે ત્યારે બજેટ સત્રના નાણાંકીય બિલો સહિત અન્ય કાયદાકીય બિલ્સ જે બાકી છે તે પણ ગૃહમાં રજૂ થશે. વિધાનસભા સત્ર તા.1 એપ્રિલ-2021 સુધી ચાલશે જ અને સત્ર ટુંકાવવામાં આવવાનું નથી તેમ તેમણે દોહરાવ્યું હતું.

રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે. આ સંદર્ભમાં કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું રસીકરણ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર કોરોના સામે પૂરી સજ્જતાથી પેશ આવી છે. ટેસ્ટિંગની સંખ્યા રોજના ૩ લાખ સુધી લઇ જવાના નિર્ધારમાં અત્યારે સવા બે લાખ જેટલું ટેસ્ટિંગ થાય છે. એટલું જ નહિ, જ્યાં જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારી રહ્યા છીએ. ઝડપથી 104 ફિવર હેલ્પલાઇન, ધનવંતરિ રથ, સંજીવની રથ મારફતે ટ્રીટમેન્ટ વ્યવસ્થાઓ પ્ણ ઊભી કરી દેવાઇ છે. રાજ્યની હોસ્પિટલોના 70 ટકા બેડ ખાલી છે.