રાજકોટ-

શહેરમાં હવે કોરોના સંક્રમણ કોમ્યુનીટી ટ્રાન્સમીશનનાં તબક્કામાં આવી જતા કોરોના વોરીયર્સ એવા સફાઇ કામદારો પણ હવે સંક્રમીત થવા લાગતા તંત્ર ભારે ચિંતામાં પડી ગયું છે. કેમ કે છેલ્લા બે દિવસથી સફાઇ કામદારોનું મેડીકલ ચેકઅપ થઇ રહયું છે અને આ બે દિવસ દરમિયાન ૨૩૪૭ કામદારોનું ચેકીંગ થતા તેમાંથી ૬૮ સફાઇ કામદારોનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા મોટો ખળભળાટ મચી ગયો છે.

આ અંગે આરોગ્ય અધિકારીએ સતાવાર જાહેરાત કર્યા મુજબ સફાઇ કામદારોનાં કોરોના ટેસ્ટની ઝુંબેશાત્મક કામગીરી ગઇકાલથી શરૂ કરાઇ હતી. જેમાં ગઇકાલે વેસ્ટ ઝોન અને આજે ઇસ્ટ ઝોનમાં મળી બપોર સુધીમાં કુલ ર૩૪૭ જેટલા કામદારોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી ૬૮ જેટલા કામદારોને કોરોના વળગ્યો હોવાનું ખુલતા કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. 

દરમિયાન શહેરમાં આજે અન્ય વિસ્તારોમાં થયેલ કોરોના ટેસ્ટમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૩ પોઝીટીવ કેસ મળ્યા હતા. જે મળીને આજ સુધીના શહેરના કુલ રર૭૯ કેસ થયા છે તેની સામે ૧૧૯૦ સાજા થયા છે. જેનો રીકવરી રેટ પ૩ ટકા સુધી પહોંચી ગયો છે.