05, ઓક્ટોબર 2020
નડિયાદ : હાલમાં જ કેન્દ્રની મોદી સરકારે કૃષિને લગતાં ૩ બિલો સંસદમાંથી પસાર કર્યા છે. જેનાં પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે બિલો કાયદામાં પરિવર્તિત થયાં છે. બીજી તરફ આ કાયદાને લઈને સમગ્ર દેશમાં વિરોધના સુર ઊઠ્યા છે. ખેડૂત સંગઠનથી માંડી મુખ્ય વિરોધ પક્ષો આ કાયદાને ખેડૂત વિરોધી કાયદો ગણાવી રહ્યાં છે. તેમજ આ કાયદો લાગું થતાં દેશના ખેડૂતોને નુકશાન થશે તેમજ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બનશે, તેવી બાબતો આગળ ધરી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આવા સંજોગોમાં જ્યારે સત્તાપક્ષ બાનમાં લેવાયો છે ત્યારે ભાજપ દ્વારા દરેક રાજ્યમાં જિલ્લા કક્ષાએ ખાટ સંમેલનો કરી આ મુદ્દે ખેડૂતોને થનારાં ફાયદાઓ અંગે જાગૃતતા ફેલાવવાનું અભિયાન હાથ ધરાયું છે.
જે અંતર્ગત ખેડા જિલ્લામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા કઠલાલના પોરડા લાટ ગામે તાલુકા પંચાયત પ્રમુખના ઘરે આજે ખાટલા બેઠક કરી ભાજપના અભિયાનની શરૂઆત કરી હતી, જેમાં જગત તાતના મગજમાં ઊભી થયેલી મૂંઝવણો અને ગેરસમજો દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જિલ્લા સાંસદે આ બેઠકમાં વિપક્ષ દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા હતા. આ બેઠકમાં ગામના ખેડૂતો હાજર રહ્યાં હતાં.
હું પોતે ખેડૂત છું, આ કાયદો ખેડૂત વિરોધી છે : દિલીપસિંહ સોઢા
આ સમગ્ર બાબતે ખેડા જિલ્લા કોંગ્રેસ મંત્રી દિલીપસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, હું પોતે ખેડૂત છું, આ કાયદો ખેડૂત વિરોધી છે. બંધારણના છેડ ઉડાડી આ કાયદો પસાર કરાયો છે. જગતના તાત પોતે પરસેવો પાડી અને તાપ, વરસાદ અને ઠંડી જોયા વગર મહેનત કરી અનાજ પકવે અને પોતાની જ ઉપજનો ભાવ નક્કી ના કરી શકે, વળી, તેમની ઉપજ વેપારીઓ મનફાવે તેવા ભાવે ખરીદે, આ ઉપરાંત ખેડૂત કાયદો લાગું થયાં બાદ કોઈ પણ સમસ્યાને લઈ કોર્ટમાં ના જઈ શકે, આ ખેડૂતોના હિતમાં કઈ રીતે હોઈ શકે ? જિલ્લા સાંસદ અને અન્ય હોદ્દેદારો ખેડૂતોને આ મુદે પણ જવાબ આપશે તેવી અપેક્ષા છે, બાકી કોંગ્રેસ સંસદથી લઈ રસ્તા સુધી વિરોધ કરશે અને ખેડૂતો માટે લડાઈ લડશે.
કાયદો સાચો છે તે સમજાવવું પડે, તે દુર્ભાગ્યપૂર્ણ છે : સર્વ સમાજ સેના
આ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે સર્વ સમાજ સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ મહિપતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, હું પણ ખેડૂત પુત્ર છું, ખેડૂત પરિવારમાંથી આવું છું. સરકારના આ કાયદાના સારા ફાયદા સમજવા માટે મે ખુદ પ્રયત્ન કર્યા છે, પરંતુ દેખીતી રીતે આ કાયદા ખેડૂત વિરોધી છે. તેમાં કરેલી જોગવાઈઓ ખેડૂત વિરોધી છે. ખેડૂત પણ પ્રાથમિક બાબતોથી જ સમજે છે કે આ કાયદો તેમને આર્થિક રીતે નબળા બનાવશે. તેથી જ વિરોધ પક્ષ કરતા વધારે ખેડૂત સંગઠનો આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ કાયદો સાચો છે તે સમજાવવું પડે, તે જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે અને સરકાર અને સત્તાપક્ષના હોદ્દેદારો આ મુદ્દે હવે ખેડૂતોને ભ્રમિત ન કરે.