13, જુલાઈ 2020
આણંદ, તા.૧૨
આણંદ જિલ્લાના બોરસદ-તારાપુર રોડ ઉપર આવેલી અંજલી હોસ્પિટલને આઇસીયુ અને સામાન્ય સારવારના બેડ સાથે કોરોના સારવાર માટે પણ કાર્યરત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં કોવિડ સામે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ, ખાસ ફરજ ઉપરના સચિવ સંદીપ કુમાર, કલેકટર આર.જી. ગોહિલ અને ડીડીઓ આશિષ કુમારે અંજલી હોસ્પિટલની મુલાકાત લઈ કાર્યરત કરી હતી.
જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે જિલ્લામાં કોરોના સંક્રમણની હાલની સ્થિતિ અને ભવિષ્યમાં ઊભી થનાર સ્થિતિ સામે પર્યાપ્ત આરોગ્ય સુવિધાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા અને ભવિષ્યમાં ઊભી થતી સ્થિતિને ધ્યાને રાખીને બોરસદ-તારાપુર રોડ ઉપર આવેલી અંજલી હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ આધુનિક અને સગવડ સુવિધા ધરાવતી અંજલી હોસ્પિટલમાં ૧૦૦ બેડની વ્યવસ્થા છે, જે પૈકી ૭૦ બેડ ઓક્સિજનની સુવિધા ધરાવે છે, તે પૈકી ૩૫ બેડ આઇસીયુ સગવડ પણ ધરાવે છે.
જિલ્લા કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત આણંદમાં બીજા ૧૩૦ બેડ આણંદ જનરલ હોસ્પિટલ, વાસદ આરોગ્ય કેન્દ્ર અને પેટલાદ સિવિલ હોસ્પિટલ ખંભાત અને કૃષ્ણ હોસ્પિટલ પણ પહેલેથી કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે ત્યારે આ વધુ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોરોના સંક્રમણના, તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા દર્દીઓની સારવારમાં આ સુવિધા યુક્ત વ્યવસ્થા મદદરૂપ થશે.
આ પ્રસંગે આણંદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી. છારી અને તાલીમી આઇએએસ ઓફિસર સચિનકુમાર અને અંજલિ હોસ્પિટલના ડાૅ.પાર્થ, નોડલ ઓફિસર ડાૅ.મેંગર તેમજ જિલ્લા આરોગ્ય તંત્રનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.