વડોદરા : પાલિકામાં સ્માર્ટ સિટીના નામે થયેલા કરોડો રૂપિયાના કૌભાંડની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી છે. તા.રર ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂઆત કરી હોવાથી હવે એ જ યોજનામાં થયેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર અંગે પીએમઓને પુરાવાઓ સાથે ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળના નાણાંનો પણ ગેરઉપયોગ થયો હોવાથી ચોંકી ઊઠેલી રાજ્ય સરકારે તાત્કાલિક તપાસ શરૂ કરી છે, જેમાં પાલિકાના આઈટી વિભાગના મનીષ ભટ્ટ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ, સ્માર્ટ સિટી લિ.ના ડાયરેકટરો અને ગોડફાધર પણ કાયદાના સકંજામાં આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 

સામી ચૂંટણીઓ સમયે જ પાલિકાના ઈતિહાસના સૌથી મોટા ભ્રષ્ટાચારી કૌભાંડની માહિતી બહાર આવતાં ખુદ ભાજપાના અગ્રણીઓ પણ હરકતમાં આવી ગયા છે. સ્માર્ટ સિટી બનાવવાના નામે કૌભાંડનગરી બનાવવાની વાતો બહાર આવતાં પીએમઓ, ગાંધીનગર સચિવાલય ઉપરાંત એસીબીએ પણ તપાસ શરૂ કરી છે જેમાં પાલિકાના અનેક ઉચ્ચ અધિકારીઓ તળે રેલો આવશે એવી ચર્ચાઓ પાલિકા લૉબીમાં થઈ રહી છે.

સ્માર્ટ સિટી અંતર્ગત શહેરમાં ઈન્ટ્રીગેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પાછળ ૧૦૦ કરોડ ઉપરાંતની રકમ ખર્ચાઈ હોવાનું બહાર આવ્યું છે ત્યારે શહેરમાં લગાવાયેલા એક હજાર ઉપરાંત કેમેરાનો હિસાબ માંડીએ તો એક કેમેરા પાછળ ૧૦ લાખ રૂપિયા ખર્ચાયા છે જે સહેલાઈથી કોઈને પણ ગળે ઉતરે એમ નથી. જાે કે, સીસીટીવી કેમેરા, એનપીઆર સિસ્ટમ, સ્માર્ટ સિગ્નલ એન્ડ ગ્રીન કોરીડોર, મેસેજિંગ સાઈનબોર્ડ, પબ્લીક એડ્રેસ ઈમરજન્સી કોલ બોક્સ, એન્વયાર્મેન્ટ સેન્સર, ડેટા સેન્ટર જેવી સુવિધા ઊભી કરવાના સપનાં બતાવાયાં હતાં. પરંતુ સીસીટીવી સિવાય કોઈપણ મહત્ત્વની યોજના હજુ સુધી પૂર્ણરૂપે કાર્યરત નહીં થઈ હોવાથી હાલમાં તો ૧૦ લાખનો એક કેમેરો પડયો હોવાનું સાબિત થયું છે.

સ્માર્ટ સિટીનું મોટાભાગનું બજેટ આઈટી યોજનાઓ પાછળ ખર્ચાયું છે ત્યારે આઈટી વિભાગના ડાયરેકટર મનીષ ભટ્ટે આઈટીને લગતી ખરીદીમાં પાલિકાને ફાયદો થાય એવું કરવાને બદલે પોતાને ફાયદો થાય એમ કર્યું હોવાનું બહાર આવ્યું છે જેમાં પ્રજાના પરસેવાના પૈસા અને પાલિકાના પૈસા લંૂટવામાં કશું બાકી રખાયું નથી, ત્યારે હિસાબ કે માહિતી જાહેર ન કરવા કરે. તા.૩૦-૦૯-૨૦૧૭ના રોજ સ્માર્ટ સિટી લિમિટેડ નામની કંપની ખડી કરી દેવાઈ હતી અને ડાયરેકટરોની નિમણૂક કરી હતી, એ સમયના કમિશનરનું ભેજું આ યોજના પાછળ કામ કરી ગયું હોવાનું કહેવાય છે. જાે કે, પીએમઓ, ગાંધીનગર સચિવાલય અને એસીબીએ હાથ ધરેલી તપાસમાં આઈટી ડાયરેકટર, એના ગોડફાધર ઉપરાંત પાલિકાના અનેક ઉચ્ચ અધિકારીઓની ગેરરીતિઓ બહાર આવી શકે એમ હોવાથી પાલિકાતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સ્માર્ટ સિટી લિ. કંપનીમાં મ્યુ.કમિ.ને હજુ સમાવાયા નથી!

સ્માર્ટ સિટી કંપની લિ.માં ડાયરેકટર તરીકે મ્યુનિ. કમિશનરને સ્થાન જ અપાયું નથી. આરઓસીની વેબસાઈટ ઉપર સ્માર્ટ સિટી લિ.ના ડાયરેકટરોમાં નવનિયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને તા.ર૬-૧૦ના રોજ ડાયરેકટર તરીકે લેવાયા છે પરંતુ પી.સ્વરૂપ પણ તા.૨૬-૧૦ પહેલાં આવ્યા હોવા છતાં ડાયરેકટર તરીકે સામેલ નહીં કરાયા પાછળ ચોક્કસ યોજના હોવાનું લાગી રહ્યું છે. જ્યારે અગાઉના મ્યુનિ. કમિશનર વિનોદ રાવ અને અજય ભાદૂને તરત જ સમાવાયા હતા. એટલે સ્વચ્છ છાપ ધરાવતા પી.સ્વરૂપને જાણીબુઝીને લેવાયા નથી.

સ્માર્ટ સિટી લિ. કાું.નો વહીવટ માત્ર ૧૦ઠ૧૦ ઓફિસમાંથી

રજિસ્ટાર ઓફ કંપનીઝ લિસ્ટમાં વડોદરા સ્માર્ટ સિટી લિ.ના રજિસ્ટર્ડ ઓફિસ પાલિકાની કચેરીમાં આવેલી ૨૦૨ સ્ટ્રીટલાઈટ વિભાગની માત્ર ૧૦ બાય ૧૦ ફૂટની ઓરડી છે. આટલું મોટું સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલની ઓફિસ હોવા છતાં કયા કારણોસર એની રજિસ્ટર્ડ ઓફિસ ખસેડાઈ નહીં હોય એવા સવાલો પાલિકાની લૉબીમાં ચર્ચાય છે અને ચોક્કસ રણનીતિના ભાગ મુજબ જ આમ કરાયું હોવાનું કહેવાય છે.

વડોદરા સ્માર્ટ સિટી કાું.માં ડાયરેક્ટર પદે કોનો કોનો સમાવેશ

વડોદરા સ્માર્ટ સિટી લિ.ના ડાયરેકટરોનું તાજું લિસ્ટ જેમાં મ્યુનિ. કમિશનર પોતે ડાયરેકટર નથી. શ્રેયા કલ્પેશ દલવાડી તા.૨૩-૨-૨૦૧૮, શૈલેષકુમાર હસમુખભાઈ મિસ્ત્રી એડિશનલ ડાયરેકટર તા.૬-૭-૨૦૨૦, સુધીર કરશનભાઈ પટેલ સીઈઓ તા.૫-૬-૨૦૧૮, શાલિની શિવકુમાર અગ્રવાલ એડિ. ડાયરેકટર તા.૫-૬-૨૦૧૮, સત્યેન્દ્રભાઈ ગોવિંદભાઈ પટેલ ડાયરેકટર તા.૨૬-૮-૨૦૧૮, રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ તા.૨૬-૧૦-૨૦૨૦ એડિ. ડાયરેકટર, વિમલ નારાયણદાસ બેટાઈ કંપની સેક્રેટરી તા.૨૯-૮-૨૦૧૮, કાજલ મહેન્દ્રભાઈ જયસ્વાલ સીએફઓ તા.૨૩-૨-૨૦૧૮ છે. છેલ્લી એન્યુઅલ જનરલ મિટિંગ તા.૩૧-૩-૨૦૧૯ના રોજ મળેલ હોવાનું આરઓસીના ચોપડે નોંધાયું છે.