વડોદરા-

રાજ્યમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર અને સુરત જિલ્લાના બારડોલીના મઢી બાદ હવે બર્ડ ફ્લૂનો ત્રીજો કેસ વડોદરાના સાવલીમાં સામે આવ્યો છે.​​​​​ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસતંપુરા ગામમાં 30 કાગડાના ટપોટપ મૃત્યુ થયા બાદ સેમ્પલ ભોપાલ ખાતે રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં કાગડાના રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા છે. જેને પગલે પશુપાલન વિભાગની ટીમ દોડતી થઈ ગઇ છે અને પશુપાલન વિભાગના અધિકારીઓએ કલેક્ટર સાથે બેઠક યોજી હતી. 

સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં ગુરૂવારે સાંજના સમયે આશરે 30 જેટલા કાગડાઓ ભેદી રીતે મૃત્યુ થયા હતા. જેથી બર્ડ ફ્લૂના કારણે તો આ કાગડા નથી મર્યાં તેની શંકાએ લોકોમાં ફફળાટ વ્યાપી ગયો હતો. ગ્રામજનોએ આ કાગડાઓને ભેગા કરીને મીઠુ ભભરાવી ખાડામાં દાટી દીધા હતા. આ અંગેની પશુપાલન ખાતાની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃત કાગડાના સેમ્પલ લઈ લીધા હતા અને ભોપાલ તપાસ માટે મોકલી આપ્યા હતા. જેના રિપોર્ટ આજે બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત શહેર-જિલ્લામાં જ્યાં જ્યાં પશુપાલન વિભાગની તપાસ ટીમો ગઇ હતી. તે તમામ ગામોના તળાવો કે વોટરબોડીના કિનારે પણ કોઇ પક્ષી મૃત હાલતમાં મળી આવે તો તેના નમૂના લેવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે.