વડોદરા,તા. ૯ 

શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ગઈકાલે મોડીરાત્રે ચોરી કરવા આવેલા તસ્કરનું મોત થયું છે. બેન્કના સ્ટ્રોંગ રૂમના ૭ સળિયા અને જાડા ગેજનું પતરું ચોરે જે કટર વડે કાપ્યું હતું, તે જ કટર અચાનક ચાલુ થતા ચોર કપાઈ મર્યો હતો.મહત્વનું છે કે, ચોરે સ્ટ્રોગરૂમનું લોકર તોડ્યું હતું. જેમાં ૧૩ લાખ રૂપિયાથી પણ વધારેની મત્તા રાખવામાં આવી હતી પરંતુ તે ચોરી શક્યો ન હતો. વારસિયા પોલીસે આ ચોર વિરુદ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધીને તેની પાસેથી મળેલા કેટલાક આઈકાર્ડના આધારે વાલી વારસો હાથ ધરી છે.

ગઈકાલે રાત્રે પોણા એક વાગ્યાની આસપાસ સંગમ ચાર રસ્તા પાસે આવેલ ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં અંદાજે ૨૭ વર્ષીય ચોર ઘુસી આવ્યો હતો. આ ચોર બેન્કના મેઈન શટરના બે તાળા તોડીને અંદર ગયો હતો. જ્યારબાદ બેંકમાં જુદી જુદી જગ્યાએ લગાવેલા ૭ સીસીટીવી કેમેરાઓ પૈકી મેઈન ગેટ પાસેનો એક મોટો કેમેરો અને લોકર પેસેજમાં લગાવવામાં આવેલો કેમેરો કાગળના ડૂચા મારીને બ્લોક કરી દીધો હતો અને ઇલેક્ટ્રિક કટરનો ઉપયોગ કરીને સ્ટ્રોંગ રૂમના ૭ સળિયા અને જાડા ગેજનું પતરું કાપીને સ્ટ્રોંગ રૂમની અંદર ઘુસવા માટે રસ્તો બનાવ્યો હતો. જોકે, ચોરી કરતા અગાઉ જ આકસ્મિક રીતે તેની પાસેનું ઇલેક્ટ્રિક કટર તેના ગળાના ભાગે ફરી વળ્યું હતું. જેથી લોહીલુહાણ હાલતમાં તેનું બેન્કની અંદર જ મોત નીપજ્યું હતું. તેની પાસેના થેલામાંથી મળી આવેલા કેટલાક આઈકાર્ડના આધારે પોલીસે તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે. જ્યારે, બેન્કના મેનેજર પ્રશાંત દયાશંકર શર્માએ વારસિયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે તેના વિરુદ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત કટર મૃતકના ગળે કઈ રીતે વાગ્યું હશે, તેની ભાળ મેળવવા પોલીસ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે.   

પોલીસ પહોંચી ત્યારે કટર ચાલુ હતું અને ચોર મૃત હાલતમાં પડ્યો હતો

બેન્ક મેનેજરને મેઈન બ્રાન્ચમાંથી ફોન આવ્યા બાદ તેઓ તાત્કાલિક બેન્ક ખાતે દોડી ગયા હતા. જ્યા મેઈન દરવાજો અંદરથી બંધ હોવાનું અને અંદર ઇલેક્ટ્રિક કટર ચાલુ હોવાનો અવાજ સંભળાતા તેઓ અંદર ગયા ન હતા અને ૧ઃ૧૬ વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં પોલીસ આવી પહોંચતા પોલીસ દરવાજો તોડીને અંદર ગઈ હતી. સ્ટ્રોંગ રૂમ પાસેથી કટરનો અવાજ આવતા ત્યાં તપાસ કરતા ચાલુ ઇલેક્ટ્રિક કટર પાસે લોહીના ખાબોચિયામાં મૃત હાલતમાં ચોર મળી આવ્યો હતો.

ચેન્નઈ ખાતે મેઈન બ્રાન્ચમાંથી સીસીટીવી આધારે જાણ થઈ

ઉજજીવન સ્મોલ ફાઈનાન્સ બેંકની ચેન્નઈ ખાતે આવેલી મેઈન બ્રાન્ચમાં વિજિલ્સ ડિપાર્ટમેન્ટ છે. તેની તમામ બ્રાન્ચનું સીસીટીવી મોનિટરીંગ ત્યાં થાય છે. કંટ્રોલ રૂમમાંથી જાણ થઈ હતી કે, મોડી રાત્રે ૧ વાગ્યે વડોદરાની બ્રાન્ચમાં કોઈ શખ્સ ફરી રહ્યો છે. જેથી મેનેજરે વડોદરાની બ્રાન્ચ મેનેજર પ્રશાંત દયાશંકર શર્માને જાણ કરી હતી. તાત્કાલિક બેંક ખાતે પહોંચી ગયા હતા. જ્યારબાદ પોલીસને જાણ કરી હતી.

કોઈને શક ન જાય તે માટે સિક્યુરિટી ગાર્ડનો યુનિફોર્મ જેવા જ કપડા પહેર્યા હતા

બેંકમાં ચોરી કરવાના ઈરાદાથી ઘુસેલા આ યુવાને આબેહૂબ સિક્યુરિટી ગાર્ડ જેવા કપડા પહેર્યા હતા. તેણે પહેરેલા શર્ટ ઉપર ‘સિક્યુરિટી’ પણ લખ્યું હતું. આ ઉપરાંત કાળા રંગનું પેન્ટ અને સ્પોર્ટ્‌સ શૂઝ પહેર્યા હતા. જોકે, શર્ટ પર ‘સિક્યુરિટી’ સિવાય કોઈ એજન્સીનું નામ ન જોવા મળતા અને તેની પાસેથી મળી આવેલા આઈકાર્ડોમાં એકપણ આઈકાર્ડ સિક્યુરિટી એજન્સીનું ન હોવાથી કોઈને શંકા ન જાય તે માટે તેણે આ પ્રકારનો વેશપલટો કર્યો હોય તેવું પોલીસ માની રહી છે.