દાહોદ : દાહોદ તાલુકા પંચાયતની કચેરીમાં વરસાદી પાણી ભરાઈ જતા કચેરીમાંના મહત્વના દસ્તાવેજો સહીતના વસ્તુઓ પાણીમાં પલળી જવા પામ્યા છે. જ્યારે કચેરીમાં કેટલાક ચેમ્બરોની છત જર્જરિત હાલતમાં આવી જતા કચેરીમાં સરકારી કામકાજ અર્થે આવતા લાભાર્થીઓ, અરજદાર સહીત સરકારી કર્મચારીઓને ભારે હલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જર્જરીત ઈમારતના કારણે લોકોના જીવને જોખમ પણ ઉભો થવા પામ્યો છે. 

દાહોદ શહેર સ્માર્ટસીટી બનવા જઈ રહ્યું છે. શહેરમાં શહેરમાં સ્માર્ટસીટીની વિવિધ યોજના અંતર્ગત અન્ય વિકાસના કામો થકી નગરને બ્યુટીફીકેશન કરી સ્માર્ટસીટી બનાવવાના કાર્યો પુરજોશમાં ચાલી રહ્યા છે.ત્યારે શહેરના મધ્યે આવેલ તાલુકા પંચાયત કચેરીના સભાખંડ સહીત કેટલાક રૂમોમાં વરસાદી પાણી ભરાઈ જતા કચેરીમાં મુકેલ મહત્વના દસ્તાવેજો સહિતની ફાઈલો પાણીમાં ગરકાવ થઇ ખરાબ થઇ જવા પામી છે. જે ખરેખર ગંભીર બાબત છે. તેમજ કચેરીના કેટલાક રૂમ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. અને છતના પોપડા પણ પડી જવાની તૈયારીમાં છે. હાલમાં ટૂંક સમય પહેલા જ છતનો પોપડો તૂટીને નીચે પડતા કચેરીમાં મુકેલ કોમ્યુટરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને સદભાગ્યે ઉપસ્થિત લોકોનો આબાદ બચાવ થયો હતો.તેમ જાણવા મળે છે.