સમગ્ર રાજ્યમાં ડાંગ જિલ્લો સૌપ્રથમ કોરોનામુક્ત બન્યો
18, જુન 2021

આહવા, ‘કોરોના’ની ઘાતક બીજી લહેરનો કહેર અનુભવી ચુકેલો ડાંગ જિલ્લો ‘કોરોના મુક્ત’ થયો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રના અસરકારક પ્રયાસો, જનપ્રતિનિધિઓનુ જન આંદોલન, અને પ્રજાકીય ઇચ્છાશક્તિ થી સંભવિત ત્રીજી લહેરને પ્રવેશતા પહેલા જ જાકારો આપવા માટે જિલ્લા વહીવટી તંત્રે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ ના મંત્ર સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ ખભેખભા મિલાવીને ‘કોરોના’ની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટેના અમોધ શસ્ત્ર એવા ‘રસીકરણ’ માટે ઝુંબેશ આદરી રહ્યા છે. ત્યારે ઠેર ઠેર રસીકરણ જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી પ્રજાજનોને ‘વેકસીન’ બાબતે પ્રવર્તતિ ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓને તિલાંજલિ આપી, રસી લઈને સુરક્ષિત થવા માટે સમજાવવામા આવી રહ્યા છે. ડાંગ જિલ્લાને ‘કોરોના મુક્ત’ કરવાની નેમ સાથે પોતાનો ડાંગ જિલ્લાનો કાર્યભાર સંભાળનારા કલેકટર ભાવિન પંડ્યા દ્વારા ડાંગ જિલ્લામા સો ટકા રસીકરણ થાય તે માટે અધિકારીઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણી/પ્રતિષ્ઠિત નાગરિકો, જુદા જુદા ધર્મ સંપ્રદાયના વડાઓ, સામાજિક/સેવાભાવી સંસ્થાઓ સહિત યુવા સંગઠનો વિગેરેનો સહકાર મેળવી જરૂર પડ્યે ‘રસીકરણ રથ’ ના માધ્યમથી પણ ગામેગામ જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ આદરવામા આવ્યો છે.

પ્રજાકીય સ્વાસ્થ્યની સુરક્ષા માટેના આ વિશેષ આયામ સાથે, છેલ્લે તા.૪થી જૂને અહીં નોંધાયેલા એક કેસ બાદ જિલ્લામા એક પણ નવો કેસ નોંધાયો નથી. સાથોસાથ એક્ટિવ કેસો પણ શૂન્ય થતા ‘કોરોના મુક્ત’ થવા જઈ રહેલા ડાંગ જિલ્લાને, તાજેતરમા ડાંગની મુલાકાતે પધારેલા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે ટિમ ડાંગને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.ાંગ જિલ્લામા તા.૧૬/૬/૨૦૨૧ની સ્થિતિએ એક પણ એક્ટિવ કેસ રહેવા પામ્યો નથી. જિલ્લામા આ અગાઉ કુલ ૬૮૯ કેસો નોંધાવા સાથે ૨૮ મૃત્યુ નોંધાઇ ચુક્યા છે.

‘કોરોના’ ની સંભવિત ત્રીજી લહેરના કહેરથી પ્રજાજનોને સુરક્ષિત કરવાના ભાગરૂપે ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૬ મી જૂન સુધી ૨૪૯૭ હેલ્થ કેર વર્કર સામે ૨૧૧૪ ને પ્રથમ ડોઝ (૮૫ ટકા), અને ૧૮૩૦ (૮૭ ટકા) ને બીજાે ડોઝ આપી દેવાયો છે. જયારે ૫૦૧૨ ફ્રન્ટ લાઈન વર્કરોની સામે ૪૯૭૫ (૯૯ ટકા) ને પ્રથમ ડોઝ, અને ૩૨૦૦ (૬૪ ટકા) ને બીજાે ડોઝ આપવામા આવ્યો છે. તે જ રીતે ૪૫ ના ૫૮૦૧૦ લાભાર્થીઓ પૈકી ૨૯૫૩૩ (૫૦ ટકા)ને પ્રથમ, અને ૬૦૪૩ (૨૧ ટકા) બીજાે ડોઝ, અને ૧૮ યુવાઓના ૧૧૬૯૫૬ ના લક્ષ્યાંક સામે ૫૦૨૧ (૪ ટકા) ને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આમ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પદાધિકારીઓની સક્રિય ભાગીદારી, અને પ્રજાકીય ઇચ્છાશક્તિ થી ‘કોરોના’ની સંભવિત ત્રીજી લહેરને આવતા પહેલાજ તિલાંજલિ આપવાની વ્યૂહરચના ઘડી કાઢવામા આવી છે. જેના માટે પ્રજાજનોને સ્વયં શિસ્ત સાથે બિનજરૂરી આવાગમન સીમિત રાખવા સાથે, સત્વરે ‘વેકસીન’ લઈ સુરક્ષિત થઈ જવાનો પણ અનુરોધ કરાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution