છોટાઉદેપુર -

છોટાઉદેપુર ના સ્ટેશન વિસ્તાર માં પીવાના પાણી ની લાઈનમાં ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ભેગા થતા હોવાથી સ્થાનિક પ્રજામાં રોશની લાગણી ફેલાઈ હતી. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન ઠેર ઠેર તૂટી ગઈ હોવાના કારણે ગંદા પાણી ભરી રહે છે. જેથી હાલ કોરોના જેવી મહામારીના સમયે રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેલો છે.

સ્થાનિક નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓએ કોર્પોરેટરો ને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા પૂર્વગ્રહ રાખી સ્ટેશન વિસ્તાર માં આવેલી સાબુ ની ચાલી માં ગંદા પાણી થી ઉભરાતી ભૂગર્ભ ગટરો ની સફાઈ પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું. ભૂગર્ભ ગટરના ગંદા પાણી નજીકમાં જ પસાર થતી પીવાના પાણીની લાઈનમાં ભેળવાતાં સ્થાનિક પ્રજામાં રોગચાળા ફાટી નીકળવાની ચિંતાની લાગણી ફેલાઈ હતી. પાલિકાના વહીવટી તંત્ર સામે ફીટકારની લાગણી વરસાવી હતી. છોટાઉદેપુર નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની લાઈનો માંથી દરેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની બૂમો ઉઠી રહી છે. છોટાઉદેપુર ની પ્રજા આ કારણે માખી મચ્છરો નો પુસ્કળ ત્રાસ ભોગવી રહી છે. કોરોના જેવી મહામારીના સમયે પાલિકા તંત્ર દ્વારા ગંદા પાણી અને સફાઈ સામે દુર્લક્ષ સેવવું નગરજનોના આરોગ્ય સામે ચેડાં બરાબર કહી શકાય. વારંવાર સ્ટેશન વિસ્તારના રહીશો દ્વારા પાલિકામાં રજુઆત કર્યા છતાં પરિણામ ના મળતા છેવટે પોતાના ખર્ચે જાત મહેનતે ભૂગર્ભ ગટર ના ગંદા પાણીનો નિકાલ કર્યો હતો. અને પાલિકા તંત્ર તેમજ સ્થાનિક કોર્પોરેટરો સામે ફિટકાર વરસાવ્યો હતો. સ્થાનિક રહીશ ઇકબાલ ભાઈ મન્સૂર અને તાહિર ભાઈ સમોલએ જણાવ્યું હતું કે સફાઈ બાબતે આંખ આડા કાન કરાય છે.