આણંદ : વડવાઓ તરફથી મળેલી વારસાગત જમીન પર હું વર્ષોથી ડાંગરની ચીલાચાલુ ખેતી અને પરંપરાગત રીતે ખેતી કરતો આવ્યો છું. ખંભાત વિસ્તારમાં વર્ષોથી ડાંગરની ખેતી ચાલતી આવી છે, તેથી હું પણ ડાંગરની ખેતી કરતો આવ્યો છું અને દર વર્ષે ગુર્જરી, જયા, કૃષ્ણ કમોદ, ગુજરાત ૧૩ જેવી એકની એક જાતની ડાંગરની ખેતી કરતો હતો. આજ સુધી ધારી સફળતા મળતી ન હતી. આ વર્ષે મને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર દ્વારા સંશોધન કરાયેલી ડાંગરની ૧૪ નંબરની જાત અંગે આત્મા પ્રોજેકટ દ્વારા પ્રેરણાં મળતા મેં ડાંગરની ૧૪ નંબરની સુગંધિત જાતનું વાવેતર કર્યું અને ધાર્યાં કરતાં વધુ સફળતા મેળવી છે, આ શબ્દો છે ખંભાત તાલુકાના પોપટપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત રમણભાઈ પટેલના. 

રમણભાઈ પટેલને કેવી રીતે પ્રેરણાં મળી તે અંગે સવાલ કરતાં તેમણે કહ્યું હતું કે, મારાં ઉપર આત્મા પ્રોજેકટમાંથી કોલ આવ્યો હતો. મને પૂછવામાં આવ્યું હતું કે, ડાંગરની સિઝન આવી રહી છે તો કેવી તૈયારીઓ કરી રહ્યાં છો? વાવણીની કામગીરી શરૂ કરી કે નહીં? કારણ કે મારે તમને આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ દ્વારા બહાર પાડવામાં આવેલી ડાંગરની નવી સુગંધીત ૧૪ નંબરની જાત વિશે સમજાવવું છે. આ વર્ષે તમે પણ આ જાતની ડાંગરનો તમારાં ખેતરમાં પાક લો, જેથી ઉત્પાદન પણ સારૂં મળશે. પાકની આવક પણ સારી મળશે. રમણભાઈ કહે છે, આવો ફોન આવતા મન ખચકાતું હતું કે શું કરવું? પરંતુ ખચકાતા મને પણ મેં તેમને હાં તો પાડી દીધી હતી. જેથી આત્મા પ્રોજેકટ દ્વારા મને ડાંગરની ૧૪ નંબરની સુગંધિત જાતનું બિયારણ આપવામાં આવ્યું હતું. મેં મારાં ખેતરમાં રોપણી કરવાનું શરૂ તો કર્યું આમ છતાં પણ મનમાં શંકા કુશંકા રહેતી હતી કે, પાક સારો થશે કે નહીં? આ ખેતી નિષ્ફળ જશે તો હું શું કરીશ? મારાં ખાવા માટેનો પાક પણ તેમાંથી જ લઉં છું તો હું આખું વર્ષ ચોખા ક્યાંથી લાવીશ? આવા ઘણાં વિચારો આવતા હતા. છતાં આવા વિચારો વચ્ચે મેં મનોમન નક્કી કરી લીધું કે, હવે જે થાય તે પણ હવે હું આજ પાક લઈશ, મનમાં ગાંઠ વાળીને વાવણી કરી અને સતત માર્ગદર્શન મુજબ પ્રાકૃતિક રીતે અને જીવામૃતનો ઉપયોગ કરીને ઉછેરની કામગીરી કરી હતી. આજે જૂઓ મારા ખેતરમાં સરસ પાક લહેરાઈ રહ્યો છે. ડર કે આગે જીત હૈ, એ પૂરવાર થઈ ગયું છે.