વડોદરા ; મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાતોરાત રન ફોર યુનિટીનું આયોજન કરી દીધું હતું. આ સંદર્ભે વડોદરા કોર્પોરેશન ખાતે હોદ્દેદારોની યોજાયેલી બેઠકમાં ડે. મેયર અને ચેરમેન વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં ખળભળાટ મચ્યો હતો. ઝઘડા બાદ ડે. મેયર બેઠક છોડી ગયા હતા. જાેકે, બાદમાં ચેરમેને બોલાવતાં ફરી ડે. મેયર બેઠકમાં ગયા હોવાનું જાણવા મળે છે.

આવતીકાલે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ત્યારે તેમને ખુશ કરવા માટે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોએ રાતોરાત રન ફોર યુનિટીનું આયોજન કરી દીધું હતું. રન ફોર યુનિટીના આયોજન માટે વડોદરા કોર્પોેરેશન ખાતે પહેલા મેયર પિન્કી સોની અને સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી અને કાર્યક્રમ સંદર્ભે ચર્ચા-વિચારણા કરાઈ હતી.

મળતી વિગતો મુજબ દરમિયાન ડે. મેયર બેઠકમાં પહોંચતાં સ્થાયી સમિતિના ચેરમેને કહ્યું કે, બધું નક્કી થઈ ગયું છે. રન ફોર યુનિટી કરવાનું છે. ત્યારે ડે. મેયરે બધું નક્કી કરી લીધું છે, તો અમને શું કામ કહો છો? જે સંદર્ભે બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં ડે. મેયર બેઠક છોડીને નીકળી ગયા હતા. જાે કે, બાદમાં ભાજપ પક્ષના નેતા પણ બેઠક છોડીને નીકળી ગયા હોવાનું જાણવા મળે છે. ચેરમેન - ડે.મેયર વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ પાછળથી ચેરમેને ડે. મેયરને બોલાવતાં પુનઃ ડે.મેયર બેઠકમાં ગયા હોવાનું જાણવા મળે છે.

કોર્પોેરેશનના કાર્યક્રમમાં મેયર સાથે તમામ હોદ્દેદારોના નામ લખવાનો કોણે આદેશ આપ્યો?

મ્યુનિ. કોર્પોરેશનમાં પરંપરા અને પ્રોટોકોલ મુજબ આમંત્રણ પત્રિકામાં નામો લખવામાં આવે છે. તાજેતરમાં એટલે કે તા.ર જી ઓકટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમની પત્રિકામાં મેયર પિન્કીબેન સોનીના હસ્તે પુષ્પાંજલિ અને નીચે નિમંત્રક તરીકે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા હેમિષાબેન ઠક્કર અને મ્યુનિ. કમિશનર દિલીપ રાણાનું નામ લખવામાં આવ્યું હતું. પરંતુ સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરવાના કાર્યક્રમની પત્રીકામાં મેયર પિન્કીબેન સોનીના હસ્તે યોજવામાં આવેલ છે. ઉપરાંત વિશેષ ઉપસ્થિતી પાલિકાના ડે. મેયર, ચેરમેન, નેતા અને દંડક તમામના નામો લખવામાં આવ્યાં છે. ત્યારબાદ નિમંત્રક તરીકે સાંસ્કૃતિક સમિતીના અધ્યક્ષા અને મ્યુનિ.કમિશનરનુ નામ લખવામાં આવ્યુ છે. આમ, પાલિકાના તમામ હોદ્દેદારોના નામો લખાતાં સૂંઠના ગાંગડે ગાંધી થવા નીકળેલા ભાજપના નેતાઓને શું પ્રસિદ્ધિનો મોહ થયો છે? કોર્પોેરેશનના કાર્યક્રમમાં મેયર સાથે તમામ હોદ્દેદારોના નામ લખવા કોણે આદેશ આપ્યો? તેની ચર્ચા પાલિકા તેમજ ભાજપ વર્તુળોમાં પણ થઈ રહી છે.

પત્રિકામાં નામ લખો નહીં તો રાજીનામું આપીશ

પોતાના નામે ૫૦૦ મત લાવવાની ક્ષમતા નહીં ધરાવતા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જીત્યા છે. ત્યારે મેયરની ગરિમા પણ જાળવી શકતા નથી. રન ફોર યુનિટીના કાર્યક્રમ અંગેની પત્રિકામાં નામ નહીં લખો તો રાજીનામું આપીશ, તેવી ચીમકી એક હોદ્દેદારે આપી હોવાનું જાણવા મળે છે.

મેયર મેડમ, આ કોણ જાેશે?

કોઈપણ શહેરના મેયર તેની પ્રજા એના પ્રસાશન માટે સૌથી ઉપર હોય છે. પ્રોટોકોલ પણ એવું જ સૂચવે છે. મેયર ક્યારેય કોઈના ઈશારે કાર્ય કરી શકે નહીં. મેયર કોઈ પક્ષ કે કોઈ જૂથના પણ ન હોય. મેયર શહેરની પ્રજાના હોય. શહેરની પ્રજાના હિતકારી નિર્ણયથી વધારે મેયર માટે કંઈ ન હોય. મેયરના કદને ઠેસ પહોંચે તોપણ પ્રજાને સીધું ખટકે છે. મેયરની ખુરશી પર બેઠા પછી પક્ષ, સંગઠન કે વ્યક્તિથી પહેલાં શહેરની સુખાકારી હોય. મેયરનું માન-સન્માન પ્રથમ પહેલાં બાકી બધું પછી.