રાજપીપળા, તા.૨૫ 

રાજ્યસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ કોંગ્રેસે બીટીપી પર ભાજપને ફાયદો કરાવ્યો હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે હવે બીટીપીના ધારાસભ્ય પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ પોતાના જીવને જોખમ હોવાની દેહસત વ્યક્ત કરી રાષ્ટ્રપતિને સુરક્ષાની માંગ કરતો પત્ર લખતા એક નવો વળાંક આવ્યો છે. બીટીપીના ધારાસભ્ય પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બીટીપી અનુસૂચિ ૫ અને આદિવાસીઓના સંવિધાનીક હકોની અમલવારી ન હોવા મુદ્દે રાજ્યસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.અમેં બન્નેવ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક ન્યાય બાબતે અવાઝ ઉઠાવી રહ્યા છે, સમાજમાં વર્ગ વિગ્રહનો માહોલ વધી રહ્યો છે.અસમાનતાને લીધે સામંતાવાદી લોકોને સામાજિક એકતા પસંદ નથી, જેથી સામાજિક વિઘટન થઈ રહ્યું છે.દેશમાં શાંતિનો માહોલ બનાવી રાખવો જરૂરી છે.વિરોધ પક્ષને લીધે અમારા જીવને જોખમ છે.ભૂતકાળમાં પણ છોટુભાઈ વસાવાનું ફરઝી એન્કાઉન્ટરનું ષડ્‌યંત્ર ગુજરાત સરકાર-ગુજરાત પોલિસ અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા રચાઈ ચૂક્યું છે, અને ભવિષ્યમાં પણ એવું થવાની સંભાવના છે. અમારી પર જાનલેવા હુમલો થવાની સંભાવનાઓને લીધે અમારી સુરક્ષા વ્યવસ્થા કરવી અનીવાર્ય થઈ પડી છે.જો અમારી સુરક્ષા બાબતે અનદેખી કરાશે તો એની જવાબદારી પ્રસાશનની રહેશે.કૃપા કરી વહેલી તકે અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગ છે.