એફઆરસીની ઉપરવટ જઈ ફી લેતી શાળાઓ સામે કાર્યવાહી કરવા માગ
14, માર્ચ 2022

વડોદરા, તા.૧૩

વડોદરા પેરેન્ટ્‌સ એસોસિયેશન દ્વારા આજે શહેરમાં પૂર્ણકાલીન ડીઈઓની નિમણૂક કરવા, સરકાર દ્વારા રચાયેલી ફી અધિનિયમનું કડક અમલીકરણ કરવા સહિત વિવિધ માગણીઓ સાથે કાળીપટ્ટી ધારણ કરી અને પ્લેકાર્ડસ સાથે ગાંધી નગરગૃહ ખાતે દેખાવો યોજ્યા હતા. દેખાવોના આ કાર્યક્રમમાં વાલીઓ, સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનોએ પણ સહકાર આપ્યો હતો.

વડોદરા પેરેન્ટ્‌સ એસોસિયેશન દ્વારા આજે સાંજે ગાંધી નગરગૃહ ખાતે કાળીપટ્ટી ધારણ કરી પ્લેકાર્ડસની સાથે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એફઆરસી સમિતિ દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તેની ઉપરવટ જઈને ફી લેતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા, ખાનગી શાળાઓ દ્વારા વાલીઓનો અવાજ દબાવવા, એલ.સી. આપી દેવી કે રોકી રાખવા જેવી થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માગ કરી છે.

ઉપરાંત ફીની અવેજમાં બાળકોને શિક્ષણથી વંચિત રાખવા જેવા ગંભીર મુદ્‌ાઓ પર ત્વરિત કાર્યવાહી કરવા સાથે શાળાઓ દ્વારા નિયત દુકાનોમાંથી જ ફરજિયાત ગણવેશ તેમજ અન્ય સામગ્રી ખરીદવા માટે થતું દબાણ અટકાવવા તેમજ વડોદરામાં પૂર્ણકાલી ડીઈઓ નથી, જેથી રજૂઆત કરવી તો કોને કરવી? તેથી ડીઈઓની કાયમી નિમણૂક કરવા ઉપરાંત શાળાઓ દ્વારા ઈતર પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી નાણાં લેવામાં આવે છે તે અટકાવવા સહિતની માગણી કરવામાં આવી હતી. આજે યોજાયેલ કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓના વાલીઓ, સામાજિક સંસ્થાઓ વગેરેએ સહકાર આપ્યો હતો અને ઉપરોકત મુદ્‌ાઓ સંદર્ભે સરકાર યોગ્ય પગલાં લઈ તેનું ત્વરિત અમલીકરણ થાય તેવી માગ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution