વડોદરા, તા.૨ 

એલઆરડીની પરીક્ષા પાસ કરનાર બહેનોની વહેલીતકે ભરતી કરવામાં આવે તેવી માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફરીથી રાજ્યવ્યાપી હડતાળ કરવાની ચીમકી આપી છે. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, છેલ્લાં ઘણાં સમયથી એલઆરડી બહેનોની ભરતી વિવાદમાં રહી છે. ગાંધીનગરમાં ૭૨ દિવસના આંદોલન બાદ રાજ્ય સરકારે સમાધાન ફોર્મ્યુલા અપનાવી બહેનોનું આંદોલન શાંત પાડયું હતું, જે વાતને પણ આજે ચાર મહિના જેટલો સમય વીતી ચૂકયો છે, પરંતુ હજુ સુધી લોકરક્ષકદળની ભરતી બોર્ડ દ્વારા બહેનોને ફરજ પર હાજર કરવામાં આવી નથી. હાલની પરિસ્થતિને ધ્યાને લેતાં એવું લાગી રહ્યું છે રાજ્ય સરકાર કોરોનાની મહામારી વચ્ચે ફરી એકવાર આંદોલન કરવા માટે મજબૂર કરી રહી છે. આ આવેદનપત્ર આપની જાણ સારું આપવાનું એલઆરડીની તમામ બહેનો તથા વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જા તા.૧૫ જુલાઈ સુધી એલઆરડી બહેનોને હાજર કરવામાં નહીં આવે તો ફરી એકવાર ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.