વડોદરા

વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ શાસકો અને તંત્ર દ્વારા ભ્રષ્ટાચારમાં સ્મશાન ભૂમિને પણ છોડવામાં આવી નથી.એવો ખુલ્લો આક્ષેપ પાલિકલા કમિશ્નરને ઉલ્લેખીને અપાયેલા આવેદનમાં સામાજિક કાર્યકરે કરીને તરસાલી સ્મશાનના ભ્રષ્ટાચાર બાબતની સમગ્ર તપાસ વિજિલન્સને સોંપવાની માગ કરી છે. તેમજ જવાબદાર અધિકારીઓને નશ્યત કરવા પણ જણાવ્યું છે.

 ઇન્દ્રવદન રાઠોડે પાલિકા કમિશ્નર સ્વરૂપ.પી.ને આપેલ આવેદનમાં જણાવ્યું છે કે, પાલિકાના દક્ષિણ ઝોનમાં આવેલ તરસાલી સ્મશાનનું રૂપિયા ૧.૩૩ કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ અને ઇજારદારની મિલીભગતમાં મોટા પ્રમાણમાં ખાયકી કર્યાનો આક્ષેપ કર્યો છે. આ બાબતે તત્કાલીન કમિશ્નર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી. જે બાબતની તપાસમાં ખાતાકીય તપાસના વડા દ્વારા કુલડીમાં ગોળ ભાગ્યનો આક્ષેપ પણ કરાયો છે. તેમજ એક તરફીઓ કાર્યવાહી કરાયાનું જણાવ્યું છે. આ તપાસમાં ફરિયાદીને રૂબરૂ બોલાવવામાં આવ્યા નથી. પુરાવા માગવામાં આવ્યા નથી. બલ્કે એક અધિકારીના જવાબને ગ્રાહ્ય રાખીને પીલ્લુંવાળી દીધાનું જણાવ્યું છે. આ સ્મશાનમાં પાણીની સુવિધા ચાલુ કરી દીધી હોવાનું જણાવ્યા છતાં ચાલુ થઇ નથી. ત્યાં પાણીની લાઇનમાંથી નળો પણ ગાયબ થઇ ગયા છે. આ સ્મશાનમાં સ્ટોર રૂમમાં લાકડા, ઘાસના પુળાની પણ વ્યવસ્થા નથી. આ તમામ બાબતોને લઈને વિજિલન્સ તપાસ કરીને પગલાં લેવાની માગ કરી છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી અને કલેક્ટરને પણ રજૂઆત કરાઈ છે.