વડોદરા-

દેશમાં ભારતીય જનતા પાર્ટી શાશિત રાજ્યોમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદા પસાર કરવાની દિશામાં તેજ પનવ ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આ વિષયમાં કાયદો ઘડ્યા બાદ હવે ગુજરાતમાં પણ આ કાયદો પસાર કરવાના સૂર ઉઠી રહ્યા છે. રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો પસાર કરવાની માંગણી કરી છે. આજે તેમણે વડોદરા ખાતે પત્રકારોને કહ્યું કે દિવસે ને દિવસે આ કિસ્સાઓ વધી રહ્યા છે. મીડિયાના માધ્યમથી પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આ કિસ્સાઓ પર રોક લાગવી જોઈએ.

શૈલેષ મહેતાએ કહ્યું કે 'સમગ્ર દેશમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે એને અનુલક્ષીને યુપીમાં સરકાર કાયદો લાવી છે. ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સા દિવસે અને દિવસે વધી રહ્યા છે. યોગી સરકાર જો કાયદો લાવી શકતી હોય તો ગુજરાત સરકારે પણ આ કાયદો ઘડવો જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને સરકાર દ્વારા આ કાયદો પસાર કરવામાં આવે તેવી સ્પષ્ટ રજૂઆત કરીશું'