વડોદરા, તા.૯ 

કોરોનામાં મૃત્યુ પામનારના અગ્નિસંસ્કાર માટે વડોદરા શહેરથી દૂર જાંબુઆ લેન્ડફિલ સાઈટથી થોડે દૂર કોતરોમાં ગેસ-ઈલેકટ્રીક ચિતાની વ્યવસ્થા સાથે ખાસ સ્મશાન બનાવવા માટે રજૂઆત કરાઈ છે.

વડોદરાના લારી-ગલ્લાધારકો તેમજ નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર ઓફ ઈન્ડિયા ગુજરાતના પ્રમુખ અરવિંદ સિંધાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વડોદરામાં વધતું જતું કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે મૃત્યુ પામેલા વડીલોના કોરોના વાઈરસના જીવાણું શહેરના રહેણાંક વિસ્તારમાં વધુ ન ફેલાય અને સંક્રમણ વધુ ન થાય તે હેતુથી વડોદરા શહેરની બહાર જાંબુઆ લેન્ડફિલ સાઈટથી થોડે દૂર ઢાઢર નદીના કોતરોમાં અલગથી ગેસ-ઈલેકટ્રીક ચિતાની વ્યવસ્થા સાથે ખાસ સ્મશાન બનાવવા માટે માગ કરી હતી. ખાસ સ્મશાન બનાવવા માટે લારીધારકો અને એસોસિયેશન રૂા.૧ લાખનું દાન પણ આપશે અને સરકાર કહેશે તો પીપીપી ધોરણે વિકસાવવા પણ ઓફર આપવામાં આવશે. રજૂઆતમાં એમ પણ કહ્યું હતું કે, વધતું જતા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે કોરોનામાં મરણ ગયેલ વડીલોની ડેડબોડીને ખાસવાડી સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવાથી લાૅકડાઉનમાં કારેલીબાગ, નાગરવાડા તેમજ સિટી વિસ્તારમાં કોરોના વધુ ફેલાયો છે. તેથી કોરોનામાં મૃત્યુ પામનારના અંતિમસંસ્કાર માટે શહેરની બહાર ખાસ સ્મશાન બનાવવામાં આવે તેવી માગ કરી છે