કચરાની ગાડીમાં માટી ભરીને વજન વધારવાનું કૌભાંડ છતાં આંખ મિચામણાં
07, એપ્રીલ 2022

અમદાવાદ, અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવા માટે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેવામાં ઘણા વિસ્તારમાં ગાર્બેજ કલેક્શન કરતી ગાડી આવતી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ જાહેર રસ્તા પર લગાવવામાં આવેલા સૂકા અને ભીના કચરાના ડબ્બામાંથી પણ કચરો ઉઠાવવામાં આવતો ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે અમદાવાદમાં ગાર્બેજ કલેકશન કરતી ગાડીમાં કચરાની સાથે માટી નાખીને વજન વધારવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. આ ઘટનાના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. હવે જાેવાનું એ રહે છે કે આ મામલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.રિપોર્ટ અનુસાર અમદાવાદના ગોમતીપુર વોર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને વીડિયો ગોમતીપુર વોર્ડના જ એક જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.આ વીડિયોમાં એવું જણાય છે કે, ખાલી જગ્યાઓમાં જે માટી પડેલી હોય છે તે માટીને ગાર્બેજનું વજન વધારવા માટે ગાર્બેજ કલેકશનની ગાડીમાં નાખવામાં આવી રહી છે જેનાથી કોન્ટ્રાક્ટરને ફાયદો થાય. આ વીડિયો ગોમતીપુર વિસ્તારમાં આવેલી મસ્ટર ઓફિસ નજીકનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓફિસ નજીક પડેલો કાટમાળ કચરાની ગાડીમાં ભરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત છે કે, ગોમતીપુર વિસ્તારમાં અનેક જગ્યાઓ પર બરાબર સફાઈ ન થતી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.ગોમતીપુરમાં ગાર્બેજ કલેકશન કરતી ગાડીમાં માટી નાખીને કચરાનું વજન વધારવાનું કૌભાંડ સામે આવતા લોકો માંગણી કરી રહ્યા છે કે, આ ઘટનાને લઈ કડક કાર્યવાહી કરવામાં આવે. જાેકે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા પણ તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ ક્યાંકને ક્યાંક આ મામલે આંખ આડા કાન કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે હવે જાેવાનું એ રહે છે કે, શુ અમદાવાદ મહાનગરપાલિકા વાયરલ વીડિયોને લઈને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઇ કાર્યવાહી કરાશે કે, નહીં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution