અમરેલી, રાજુલામાં રેલવેની જમીન પાલિકાએ બગીચા બનાવવા માટે માંગી હતી. પરંતુ રેલવે સતાધીશો દ્વારા અહી હદ બાંધવાની પ્રક્રિયા શરૂ થતા ધારાસભ્ય અંબરીશ ડેરે કામગીરી અટકાવી હતી. જેને પગલે તેમની અટકાયત કરાઇ હતી. જાે કે ધારાસભ્ય દ્વારા અહી ઉપવાસ આંદોલન શરૂ કરાયુ છે. ત્યારે તેમના સમર્થનમા અર્ધનગ્ન હાલતમાં વકીલ છાવણી સુધી પહોચે તે પહેલા તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી. આજે પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લઇ રેલરોકો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

રેલવેની જમીન મુદે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયુ છે. તેના સમર્થનમા વકીલ નવેચતન પરમારે ધારાસભ્યના સમર્થનમા સુત્રોચ્ચાર કર્યા હતા જાે કે તે છાવણી સુધી પહોંચે તે પહેલા યાર્ડ નજીકથી પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ આજે પ્રદેશ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા રાજુલા દોડી આવ્યા હતા અને ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. અહી તેમણે રેલવેની જમીનનુ નિરીક્ષણ પણ કર્યુ હતુ.

અર્જુન મોઢવાડીયાએ આક્ષેપો કરી જણાવ્યું હતુ કે ભાજપના નેતાઓ રેલવેના અધિકારીઓને દબાવે છે. રેલવે જમીન સાચવવા માટે પાલિકાને આપે અને પાલિકા દ્વારા અહી બગીચા સહિત સુવિધા ઉભી કરવામા આવે તો સુવિધામાં વધારા થાય તેમ છે. જાેકે ભાજપના નેતાઓ હવનમા હાડકાં નાખવાનુ કામ કરી રહ્યાં છે. તેમણે એમપણ જણાવ્યું હતુ કે રેલવે તંત્ર દ્વારા સહકાર આપવામા નહી આવે તો રેલરોકો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી.બીજી તરફ બાબરામા આહિર એકતા મંચ દ્વારા ધારાસભ્ય ડેરના સમર્થનમા મામલતદારને આવેદન પાઠવ્યુ હતુ.