જામનગર-

ખીજડીયા બાયપાસ રોડ પાર આવેલ કનૈયા હોટલ સામે 23 ઓક્ટોબરની રાત્રે સાડા દસ વાગ્યે પાર્ક કરેલા બોલેરો પીક અપ વાહનના પાછળની બારીનો કાચ તોડી અંદર રાખવામાં આવેલ રૂપિયા 3,83,930 ની રોકડ ભરેલો થેલો ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવની દેવરામભાઈ જેરામભાઈ ડાભીએ અજાણ્યા શખ્સો સામે જામનગર પંચકોશી A ડિવિઝન પોલીસ મથકે આઈપીસી કલમ 379 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના ખેડૂતો પોતાના ખેતરમાં વાવેલા જીરુંનો પાક ભરી વેચાણ કરવા માટે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગયા હતા. જ્યાં તમામ ખેડૂતો જીરુંનું વેચાણ કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે કનૈયા હોટેલ ખાતે જમવા માટે રોકાયા હતા. જોકે, જમવા જતા પેહલા જીરાના વેચાણના રોકડ રૂપિયા 3,83,930 એક પીળા કલરની થેલીમાં રાખી પિકઅપ વાનની પાછલી સીટમા રાખી ગાડી લોક કરીને ગયા હતા. જમીને પરત આવતા બોલેરો પીકઅપનો કલીનર સાઇડનો દરવાજાનો કાચ કોઈ શખ્સો તોડી રૂપિયા 3,83,930 ની ચોરી કરી ગયા હોવાનું જાહેર થયું હતું. આ બનાવ અંગે પંચકોશી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતો સાથે રહેલા ચાલક ખેડૂતો સાથે જમવા ન બેઠો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસને ચાલક પર શંકા થતા ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેને લઇને ચાલક હેમત દેવરાજ નકુમે અંતે ચોરી કર્યાની કબુલાત કરી હતી. જોકે, ચાલક હેમંતના જણાવ્યા અનુસાર પોતાને પૈસાની ખુબ જ જરૂર હોવાથી ચોરી કરી હોવાની કબુલાત આપેલી હતી.