ગાંધીનગર, ગાંધીનગરના રૂપાલ ગામનાં વિવાદાસ્પદ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં ફસાયો છે. ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત ૪ લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાંધેજાની જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે. ત્યારે આ જમીન પર ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ દ્વારા માતાજીનું મંદિર બનાવી દઈ જમીન પચાવી લેવાઈ હતી. જે અંગે ફરિયાદ દાખલ થતાં જ ધનજી ઓડ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ૧૯૩૬ સર્વે વાળી જમીનનો ૧૩ લાખમાં સોદો નક્કી કરી દસ્તાવેજ કરીને નોંધ પડાવતાં સુરેશભાઈ પટેલ દ્વારા બાના ચીઠ્ઠી રજૂ કરી તકરાર દાખલ કરાવવામાં આવી હતી. જાેકે, આ નોંધને પ્રાંત અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સુરેશભાઈ પટેલની માલિકીની સર્વે નં.૧૯૩૫ની જમીન તેમજ તેમના પણ બન્ને સર્વે નંબર ઉપર કંપાઉન્ડ વોલ કરીને ઢબુડી મા ઉર્ફે ધનજી નારણભાઈ ઓડ અને તેના પુત્ર વીપુલભાઈ ધનજીભાઈ ઓડ, પત્ની પવનબેન ધનજીભાઈ ઓડે ફુલબાઈ માતાજીનું મંદિર બનાવીને જમીન પચાવી પાડી હતી. આ મામલે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરતાં સુનાવણીના અંતે ગુનો દાખલ કરવા હુકમ કરાયો હતો. જેના પગલે પેથાપુર પોલીસે સુરેશભાઈ પટેલ તેમજ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની અને પુત્ર સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરાયો છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ અને તેની પત્ની અને પુત્ર તેમજ સેવક સુરેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ ગુનો નોંધાતા તે તેની પત્ની અને પુત્ર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.