ગાંધીનગર-

કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. જે પ્રમાણે ચારેય મહાનગરોમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે એવી પણ હવા ચાલી રહી છે કે કોરોનાને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર ફરીથી લૉકડાઉન લગાવી શકે છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલે કે બુધવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સ્પષ્ટતા કરી હતી કે લોકો સોશિયલ મીડિયા પર ફરતી અલગ અલગ અફવાઓ પર ધ્યાન ન આપે. સરકાર કોઈ નિર્ણય લેશે તો તેની જાહેરાત કરશે.

ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, "હાલ ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યો છે. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, માટે લોકોએ ડરવાની જરૂર નથી. લોકો બહાર નીકળતી વખતે અવશ્ય માસ્ક પહેરે અને અન્ય માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. આ ઉપરાંત લોકો લૉકડાઉન અંગે ફરી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્યમાં ફરીથી લૉકડાઉન કે વીકેન્ડ કર્ફ્યૂ નહીં લગાવવામાં આવે.." 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં જો કોરોનાની પરિસ્થિતિ વકરશે તો જે તે સમયે યોગ્ય નિર્ણય કરીશું. લોકો હાલ કોઈ અફવા પર ધ્યાન ન રહે. હાલ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. રાજ્યમાં 1,000 લોકો પર કોરોનાની રસીનું ટ્રાયલ થશે. વેક્સીનના ડિસ્ટ્રિબ્યૂશન માટે વડાપ્રધાન મોદીએ રાજ્યો પાસેથી મંતવ્યો મંગાવ્યા છે.