દિલ્હી-

દેશના વરિષ્ઠ કેન્સર નિષ્ણાત અને અદ્યાર કેન્સર ઇન્સ્ટીટ્યુટના અધ્યક્ષ ડૉક્ટર વી શાંતાનું આજે મંગળવારે 19મી જાન્યુઆરીએ સવારે 93 વર્ષની વયે નિધન થયું હતું.

ડૉક્ટર શાંતા પદ્મવિભૂષણ હતાં. એમને રેમન મેગ્સેસે એવોર્ડથી પણ વિભૂષિત કરાયાં હતાં. નોબેલ પારિતોષિક વિજેતા પ્રસિદ્ધ ભારતીય વિજ્ઞાની એસ ચંદ્રશેખર તેમના મામા હતા અને બીજા નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની સી વી રમણ ડૉક્ટર શાંતાના માતામહ (નાના)ના ભાઇ હતા. આમ જગપ્રસિદ્ધ પરિવારમાંથી ડૉક્ટર શાંતા આવ્યા હતા.

સોમવારે રાત્રે લગભગ નવેક વાગ્યે એમણે છાતીમાં પીડા થતી હોવાની ફરિયાદ કરી હતી. તેમને તરત એક ખાનગી નર્સિંગ હોમમાં લઇ જવાયાં હતાં. કેન્સર ઇન્સ્ટીટ્યુટના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ મંગળવારે સવારે બ્રાહ્મ મુહૂર્તે 3.55 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ શરીરને ઓલ્ડ કેન્સર ઇન્સ્ટીટ્યુટમાં લોકોના દર્શન માટે લઇ જવાયો હતો. આ સંસ્થા તેમણે પોતાના ગુરુ ડૉકટ્ર કૃષ્ણમૂર્તિ સાથે મળીને બનાવી હતી.

હૉસ્પિટલમાં લઇ જવાયાં ત્યાં સુધી ડૉક્ટર શાંતા હોશમાં હતા અને સહાયકોને સૂચના આપી રહ્યા હતા. છેલ્લા થોડા દિવસથી તેઓ અપસેટ રહેતા હતા. કોરોના મહામારીના પગલે ઉદ્ભવેલા પ્રશ્નોથી તેઓ ચિંતિત રહેતાં હતાં. તેમણે સ્થાપેલી કેન્સર ઇન્સ્ટીટ્યુટમાં રાયથી માંડીને રંક સુધીના સૌને શ્રેષ્ઠ સારવાર પૂરી પડાય છે. સારવારનો ખર્ચ ભોગવી ન શકે એવા લોકોને અહીં ફ્રી સારવાર અપાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉક્ટર શાંતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.