11, જુલાઈ 2020
વડોદરા, તા.૧૦
એમ.એસ.યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટી અંતર્ગતના ડાૅ. વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ એન્ડ બાયોલોજીને રાજ્ય સરકાર દ્વારા ૧૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાયોલોજી અંગેના સંશોધનોને આગળ ધપાવવા અને ઇન્સ્ટિટ્યૂટને અપગ્રેડ કરવા માટે આ ગ્રાન્ટ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૨માં એમ.એસ.યુનિવર્સીટી દ્વારા રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીની મદદથી ડાૅ. વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ એન્ડ બાયોલોજીની સ્થાપના કરવામાં આવી હતી. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રણ જૂથમાં સેલ એન્ડ મોલીક્યુલર બાયોલોજીના વિવિધ મુદ્દાઓ પર સંશોધન હાથ ધરાઈ રહયા છે. આ સંશોધનો વિદ્યાર્થીઓ અને અન્ય સંશોધકોને અભ્યાસ માટે મદદરૂપ થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સાધન સરંજામોનાં અપગ્રેડેશન, મેઇન્ટેનન્સ તેમજ જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા આજે ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. નોંધનીય છે કે સાયન્સ વિભાગના વિદ્યાર્થીએ રિસર્ચ કરીને આગવી ઓળખ ઉભી કરી દેશ ઉ૫રાંત વિદેશમાં અલગ અલગ ક્ષેત્રે પોતાનું નામ તેમજ યુનિવર્સીટીનું નમ ઉજાગર કર્યું છે. ત્યારે આવી ગ્રાન્ટ વિકાસ
માટે વેગ આપશે.