વડોદરા : વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર આકસ્મિક સેવાઓને માટે પણ રજાના દિવસે રજા પડતા આરામ ફરમાવતા પ્રજા પરેશાન થઇ ગઈ છે. શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલ નજીક મુખ્ય માર્ગ પરની ડ્રેનેજ ઉભરાતા ત્યાંથી પસાર થનારા વાહન ચાલકો અને રહીશો હેરાન પરેશાન થઇ ગયા હતા. આ સ્થળે ગટર ઉભરાતા ચોતરફ અસહ્ય દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી.

ખાસ કરીને ત્યાંથી પસાર થનાર રાહદારીઓને માટે દુર્ગંધ મારતા પાણીમાં પગ મૂકીને જવાનું મુશ્કેલ બન્યું હતું. આ ડ્રેનેજ ઉભરાવવાના બનાવની જાણ થતા તુર્તજ પાલીકાના વોર્ડ ૧૩ના કાઉન્સિલર બાલુ સૂર્વે તુર્તજ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ આ બાબતે સબંધિત અધિકારીઓનો સંપર્ક કરીને તુરત જ સમસ્યાના નિરાકારણને માટે તાકીદે પગલાં લેવા જણાવ્યું હતું. જાે કે મોડી સાંજ સુધી આ બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી એમ આસપાસના પ્રજાપતિ વાસ અને અન્ય વસાહતના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ વિસ્તારમાં આવેલ સોસાયટીઓના રહીશો દ્વારા પણ આ અંગે ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.તેમજ ચોમાસા સિવાયના સમયમાં પણ આ વિસ્તારમાં બારે માસ ઉભરાતી ગટરો અને પાણીના ભરાવાની સમસ્યાઓ કાયમી ધોરણે રહે છે.એનો કાયમી ઉકેલ લાવવાની માગ કરવામાં આવી છે. અન્યથા આ વિસ્તારના રહીશોને આ પ્રશ્ને આગામી દિવસોમાં આંદોલન છેડશે એવી ગર્ભિત ચીમકી પણ સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે.