જામનગર ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાને શહેરના ગોકુલ નગર વિસ્તારનાં મથુરા નગરમાં ચાલતા સી.સી. રોડનું કામ નબળુ થતું હોવાની જાણ વિસ્તારનાં લોકોએ કરતાં ધારાસભ્ય રિવાબા જાડેજા મહાનગરપાલિકાનાં અધિકારીઓને સાથે રાખી સી.સી. રોડનાં કામ ચેક કરવા પહોંચ્યા હતા. રીવાબા જાડેજાએ તાત્કાલિ અધિકારીઓને કામમાં ભ્રષ્ટાચાર ન થાય એની સૂચના આપી હતી. અધિકારીઓએ પણ કામ મંજૂર થયા મુજબ જ કોન્ટ્રાકટર પાસેથી કામ કરાવવાની ખાત્રી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કામમાં કેટલાક લોકો નબળી ગુણવત્તા વાળું કામ કરે છે. આવા ભ્રષ્ટચારીઓ પર નવનિયુક્ત જન પ્રતિનિધી રિવાબાએ લાલ આંખ બતાવતા સ્થાનિક લોકોમાં ધારાસભ્યની કામગીરીને લઈને ઉત્સાહ અને સંતોષકારક કામગીરી થયાની ચર્ચાઓ સાથે ધારાસભ્યને લોકોએ બિરદાવ્યા હતા. નવા બની રહેલા સીસી રોડની મુલાકાત સમય એ સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટું, શહેર ભાજપ આગેવાન દિલીપસિંહ સહિત સિવિલ શાખાના નાયબ એન્જિનિયર પાઠક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ માટે અને આગળ રોડનું કામ વ્યવસ્થિત થાય તે રીતે અધિકારીઓને પણ કડક સૂચના આપવામાં આવી હતી.