રોજ 1 સફરજન ડોક્ટરથી દૂર રાખે છે આ વાત તો બધાં જાણે જ છે. દરેક મહિલાએ પણ ફળો ખાવા જ જોઈએ. એમાંય રોજ સફરજન તો ખાવું જોઈએ. સફરજન રોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાવું જોઈએ, કારણ કે તે ફાયબર અને પેક્ટિનથી ભરપૂર હોય છે. મોટાભાગની મહિલાઓને પ્રેગ્નેન્સી દરમ્યાન અનિદ્રા, રાતે મોડાં સૂવાની આદત અને પાચનમાં ગરબડની પરેશાની હોય છે. જેથી જો તેઓ સવારે સફરજન ખાશે તો આ બધી સમસ્યાઓથી છૂટકારો મળી શકશે.

સફરજનમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાયબર, વિટામિન બી, વિટામિન સી અને અનેક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ ફેટ ફ્રી, સોડિયમ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી પણ હોય છે. જે નાની-મોટી સમસ્યાઓથી પ્રેગ્નેન્ટ મહિલાઓને બચાવવામાં મદદ કરે છે. સાથે જ પ્રેગ્નેન્સીમાં નિયમિત રીતે સફરજન ખાવાથી માં અને ગર્ભમાં રહેલાં બાળકને પણ સંક્રમણ અને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

સફરજન ખાવાના ફાયદા :-

ઈમ્યૂનિટી વધારે છે :

વિટામિન સીથી ભરપૂર સફરજન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેનાથી માં અને ગર્ભસ્થ બાળકને ઈન્ફેક્શન અને અન્ય બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. સાથે જ તેનાથી આગળ જતાં બાળકને પણ ફાયદો મળે છે.

એનર્જી વધારે છે :

કાર્બોહાઈડ્રેટ્સ સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વ છે. સફરજનમાં સારા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. તેને સવારે ખાવાથી આખો દિવસ શરીરને ઊર્જા મળે છે આ જ કારણથી તેને પાવર ફૂડ પણ કહે છે. જ્યારે પણ નબળાઈ ફીલ થાય ત્યારે પ્રેગ્નેન્ટ મહિલાએ સફરજન ખાવું જોઈએ.

અસ્થમામાં લાભકારી :

રિસર્ચ મુજબ, જો પ્રેગ્નેન્ટ મહિલાને અસ્થમાની બીમારી હોય તો આ સમયે પણ સફરજન ખાવાથી ઘણી રાહત રહે છે. સફરજન ખાવાથી બાળકને અસ્થમાથી નુકસાન અને આ બીમારી બાળકને થવાનો ખતરો પણ દૂર થાય છે.

કબજિયાત અને ગેસથી છૂટકારો :

પ્રેગ્નેન્સીમાં કબજિયાત અને ગેસ થવો સામાન્ય વાત છે. સફરજનમાં ભરપૂર ફાયબર હોય છે. જેથી તે આ સમસ્યાથી રાહત આપે છે. સફરજન ખાવાથી પેટ સંબંધી ઘણી સમસ્યાઓ દૂર રહે છે.

હાડકાંઓને મજબૂત રાખે છે :

હાડકાંઓને મજબૂત રાખવા માટે કેલ્શિયમવાળો ખોરાક ખાવો બહુ જ જરૂરી છે. સફરજનમાં કેલ્શિયમ હોય છે જેથી તેને ખાવાથી બાળકના વિકાસ અને હાડકાંઓ મજબૂત કરવામાં મદદ મળે છે.