અમદાવાદ-

રાજ્યમાં જિલ્લા - તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે જ કેટલાક ગામોમાંથી ચૂંટણી બહિષ્કાર થયાના સમાચાર મળી રહ્યા છે. આણંદ જિલ્લા બોરસદ તાલુકાના ડભાસી ગામમાં આવેલા 4 મતદાન મથક પર સવારના 7 વાગ્યાથી અત્યાર સુધી એક પણ મત પડ્યો નથી. અહીં બૂથ પર 8 કલાકથી ચૂંટણી સ્ટાફ મતદારોની રાહ જોઈ રહ્યો છે.

થોડા દિવસો પહેલા જ જ્યારે ડભાસી હાઈવે પર ગરનાળા બનાવવાને લઈને ગ્રામજનોએ આંદોલન કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આથી રોષે ભરાયેલા ગ્રામજનો મતદાન કરવા ન જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાના કાલોલની શક્તિપુરા વસાહત-2માં વસતા સ્થાનિકોએ મતાધિકારનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. અહીંના મતદાન મથકો સૂમસામ છે. અહીં નર્મદા ડેમના વિસ્થાપીતોનો વસવાટ છે. 1994થી અહીં રહેતા વિસ્થાપિતોને સરકારી યોજનાઓનો લાભ ન મળ્યો હોવાથી મતદાન કરવા ન ગયા હોવાનું જાણવા મળે છે. મતદાન બહિષ્કાર અંગે જાણ થતાં DYSP, PI સહિતનો પોલીસ કાફલો તથા CRPFની ટૂકડી અને મામલતદાર સહિતના સ્ટાફે સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે લોકો ટસના મસ થયા નહોતા અને પોતાના નિર્ણય પર કાયમ રહ્યા હતા.

લુણાવાડાના માલતલાવડી ગામેથી પણ મતદાન બહિષ્કારના સમાચાર મળી રહ્યા છે. અહીં મતદાન મથક 5 કિલોમીટર દૂર હોવાથી "બૂથ નહીં તો વોટ નહીં"ના સુત્રોચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. આ સિવાય ભૂજના દેશલ પર ગામે પંચાયતની જમીન ખાનગી ટ્રસ્ટને સોંપવાના નિર્ણયના વિરોધમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો સામુહિક નિર્ણય લીધો છે. ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના નાવાદ્રા ગામે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના આક્ષેપ સાથે મતદાનનો બહિષ્કાર થયો છે. આ તમામ બુથ પર મતદારો ન આવતા કાગડા ઉડી રહ્યા છે. ચૂંટણી સ્ટાફ સવારથી મતદારોની રાહ જોઈ રહ્યો છે.