ગાંધીનગર,તા.૧૭

વિધાનસભાની ચૂંટણીમાં નાલેશીભર્યા દેખાવ બાદ કોંગ્રેસ દ્વારા છેવટે આજે સવા મહિના બાદ વિધાનસભા પક્ષના નેતા અને ઉપનેતાની નિમણૂક કરવામાં આવી છે. જેમાં નેતાપદની રેસમાં શૈલેષ પરમાર અને ડૉ. સી. જે ચાવડાનો પનો ટૂંકો પડ્યો છે. જ્યારે યુવા નેતા અમિત ચાવડા મેદાન મારી ગયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભારે નાલેશીભર્યો દેખાવ કર્યો હતો. જેના કારણે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં કોંગ્રેસે અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ જાેવા મળ્યો હતો. આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો પર જીતી શકી છે. વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ દેખાવ બાદ કોંગ્રેસમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જેના કારણે વિધાનસભાની ચૂંટણીના પરિણામના ૩૮ દિવસ સુધી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાની પસંદગી કરી શક્યા ન હતા. વિધાનસભાના સચિવ દ્વારા સત્તા પક્ષ બાદ સૌથી વધુ બેઠક મેળવનાર પક્ષને વિપક્ષનું નેતાપદ મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં વિધાનસભા અધ્યક્ષને તા. ૧૯ જાન્યુઆરી સુધીમાં વિપક્ષના નેતા પદ માટેના નામની પસંદગી કરીને રજૂ કરવાનું અલ્ટિમેટમ અપાયું હતું. જેના કારણે કોંગ્રેસનાં મોવડી મંડળ દ્વારા આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે આંકલાવના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા યુવા નેતા અમિત ચાવડાની નિયુક્તિ કરાઈ છે. જ્યારે ઉપનેતા પદ માટે દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમારની વરણી કરવામાં આવી છે.

સરકારી તંત્ર અને સરકારી બજેટનો ઉપયોગ મુઠ્ઠીભર લોકો માટે થાય છે ઃ અમિત ચાવડા

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા જાહેર થયા પછી અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ભાજપના રાજમાં બેરોજગારી આસમાને પહોંચી ગઈ છે. પરીક્ષાઓમાં વારંવાર થતાં કૌભાંડથી યુવાનો નિરાશ થયા છે. નાગરિકોની પારાવાર સમસ્યા છે. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી તંત્ર અને સરકારી બજેટનો ઉપયોગ મુઠ્ઠીભર લોકો માટે થાય છે. આ ઉપરાંત પ્રજાના જે કોઈ પ્રશ્નો છે તેને માટે અમે વિધાનસભાની અંદર અને બહાર લડતા રહીશું અને અવાજ પણ ઉઠાવીશું.