21, જુન 2021
બાલાસિનોર, બાલાસિનોર નગરમાં સામાન્ય પવન કે વરસાદમાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જાય છે ત્યારે વિસ્તારના રહીશો એમજીવીસીએલ કચેરીમાં ગ્રાહક સેવા નમ્બર ઉપર ફોન કરીને કંટાળી ગયા હતા. ફોનની સતત રિંગ વાગવા છતાં કોઈ કર્મચારી ફોન ઉપડવાની તસ્દી લેતા નહતા. ત્યારે કેટલાક રહીશો એમ.જી.વી.સી.એલ. કચેરીમાં પહોંચ્યા ત્યારે કર્મચારીઓ ઘોર નિંદ્રામાં સુતા નજરે પડયા હતા. ત્યારે ત્યાં હાજર એક કર્મચારીને પૂછતાં જણાવેલ કે સ્ટાફ લાઇન ઉપર ગયો છે. રહીશો સતત એક કલાક સુધી જી.ઇ.બી. કચેરીએ બેસી રહ્યા તેમ છતાં પણ આ કચેરીમાં કોઈ પણ કર્મચારી આ સમય દરમિયાન આવ્યો નહતો. ત્યારે પ્રશ્ન એ છે કે રાત્રીના સુમારે કોઈ મોટો ફોલ્ટ થાય અને કોઈ ગ્રાહક આ અંગેની ફરિયાદ કરે તો કોને કરે, ક્યાં કરે ? આ અગાઉ ગયા મહિને પણ બાલાસિનોર ના એક રહીશ દ્વારા વારંવાર ફોન કરવા છતાં કોઈ કર્મચારી ફોન ઉપાડવાની તસ્દી લેતો નહતો. ત્યારે આ રહીશ રાત્રીના સમયે જી.ઇ.બી. કચેરીમાં પહોંચી જતા સમગ્ર સ્ટાફ મીઠી નીંદર માણી રહ્યો હતો. જેનો વીડિયો તેમજ ફોટા પાડી સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કચેરીના જવાબદાર કર્મચારીઓ પૈકીના કેટલાક રાત્રીના સમયે છાંટોપાણી કરવાની આદત વાળા હોવાથી રાત્રીના સમયે મીઠી નીંદર માણી રહ્યા હોય છે અને ગ્રાહકોની ફરિયાદ સામે આંખ આડા કાન કરતા હોય છે. તેવા સંજાેગોમાં એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગની તાતી જરૂરિયાત છે. વધુમાં રાત્રીના સમયે કાયમ માટે મહેફિલોમાં મસ્ત રહેતા કર્મચારીઓને બદલવાની જરૂર છે.