અમરેલી, લાઠીમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ એક કાર્યક્રમના સંબોધન દરમિયાન અધિકારીઓને કડક અંદાજમાં ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે, અધિકારીઓએ કામ કરવું પડશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન પણ ઉપાડવા પડશે. સી.આર. પાટીલે સરકારી અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ અધિકારીઓને સુચના આપી છે કે, તમામ ધારાસભ્યોના નંબર તમારા મોબાઇલમાં સેવ હોવા જાેઇએ. કોઇ પણ ધારાસભ્ય ફોન કરે તો ફોનનો જવાબ આપો. ગઇકાલે મુખ્યમંત્રીને ફરી એકવાર વિનંતી કરી છે કે, સાહેબ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકાઓમાં પણ અધિકારીઓએ ચૂંટાયેલા પદાધિકારીઓના ફોનનો જવાબ નથી આપતા. પરંતુ હવે અધિકારીઓએ કામ કરવું પડશે અને જનપ્રતિનિધિઓનાં જવાબ પણ આપવા પડશે. થોડા દિવસો અગાઉ સુરતના કડોદરામાં યોજાયેલા ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમમાં પ્રમુખ સી.આર પાટીલે અધિકારીઓને ટકોર કરી હતી. કાર્યકર્તાઓને સંબોધિત કરતા સમયે અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓના નંબર સેવ રાખીને તેનો જવાબ આપવા પણ સુચના આપી હતી. જ્યારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે અધિકારીઓએ ફોન ઉઠાવવા પડશે. સોમ-મંગળ સિવાય સચિવાલયમાં કામ માટે તમામ અધિકારીઓ અને મંત્રીઓને પણ હાજર રહેવા માટે સુચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાતમાં અધિકારી રાજ હોવાની ફરિયાદો ઉઠી ચુકી છે. અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગણકારતા નહી હોવાનું અને ફોન ઉપાડતા નહી હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે અધિકારીઓએ ધારાસભ્ય, સાંસદ કે અન્ય ચૂંટાયેલા નેતાઓનો ફોન ઉપાડવા માટે ટકોર કરી હતી. સી.આર પાટીલે કડક અંદાજમાં જણાવ્યું કે, અધિકારીઓએ માત્ર ફોન ઉપાડીને જવાબ આપવાનું નહી પરંતુ તેમના જરૂરી કામ પણ કરવા પડશે. કોઇ પ્રકારની દાદાગીરી ચલાવી નહી લેવાય.