ઝડપી રસીકરણ પણ ત્રીજી લહેરથી ભારતને નહીં બચાવી શકે,નિષ્ણાતોએ આપી ચેતવણી 

નવી દિલ્હી

ભારતમાં કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. નિષ્ણાતો માને છે કે રસીકરણ દર વધ્યા પછી પણ દેશ મહામારીની ત્રીજી લહેરથી બચી શકશે નહીં. ગયા મહિને IIT દિલ્હીએ પણ ત્રીજી લહેર દરમિયાન રાજધાનીની ખૂબ જ ખરાબ પરિસ્થિતિની ચેતવણી આપી હતી. આ અગાઉ, એઈમ્સના ડિરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા પણ 6-8 અઠવાડિયામાં ત્રીજી લહેરની શરૂઆતની વાત કરી ચૂક્યા છે.

એક અહેવાલ મુજબ, એપ્રિલમાં બધી નિકાસ અટકી હોવા છતાં અને સૌથી મોટુ રસી ઉત્પાદક હોવા છતાં ભારતમાં ફક્ત ચાર ટકા વસ્તીને રસી અપાઈ છે. કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે, આ દરે દેશમાં થોડા મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે. આ સિવાય અહેવાલમાં રસીકરણના વધતા આંકડા ઉપર પણ સવાલો ઉભા થયા છે.

બુધવારે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસીના દક્ષિણ એશિયાના અર્થશાસ્ત્રીઓ અનુભૂતિ સહાય અને સૌરવ આનંદે કહ્યું હતું કે, જો દરરોજ સરેરાશ ૩૨ લાખ ડોઝની ઝડપને જાળવવામાં આવે તો ભારત વર્ષના અંત સુધીમાં તેની 45 ટકા વસ્તીને રસી આપી શકશે. તે જ સમયે, માર્ચ 2022 સુધીમાં આ આંકડો 60 ટકા સુધી પહોંચી જશે. આ સિવાય, સ્પુતનિક-વી સહિત બીજી 6 રસી ઉમેદવારો સામેલ થવા જઈ રહ્યા છે.

દિલ્હીમાં દરરોજ 45 હજાર કેસ જોવા મળશે

દિલ્હી આઈઆઈટીએ ત્રીજી લહેરના સૌથી ખરાબ તબક્કામાં રાજધાનીને 45,000 કેસો માટે દરરોજ તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. ઉપરાંત મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં માઇક્રોબાયોલોજિસ્ટ અને વાઇરોલોજિસ્ટ ડો.ગગનદીપ આ અંગે કહ્યું હતું કે, 'આખી વસ્તીને રસી આપવી એક ગંભીર મુદ્દો છે, પરંતુ ભારતમાં આ આંકડો એટલો મોટો છે કે વાયરસને રોકવા માટે ફક્ત 30-40 ટકા વસ્તીને રસી આપવી કોરોનાને રોકવા માટે પૂરતું નથી. તેમણે કહ્યું, 'પહેલા એવું માનવામાં આવતું હતું કે 60-70 ટકા વસ્તીને રસી આપવી મદદરૂપ થશે, પરંતુ હવે લાગે છે કે 85-90 ટકા વસ્તીને રસી આપવાની જરૂર છે.'

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution