ગૌહાટી-

આસામ અને મિઝોરમ બોર્ડર પર ફરી એક વખત તનાવ સર્જાયો છે અને તેનુ કારણ છે, બોર્ડર પર આવેલી આસામની એક સ્કૂલમાં થયેલો વિસ્ફોટ. અજાણ્યા લોકોએ બોર્ડરને અડીને આવેલી આસામની સ્કૂલમાં બ્લાસ્ટ કર્યો હતો. આસામ અને મિઝોરમ વચ્ચે થયેલા બોર્ડર વિવાદમાં આસામ પોલીસના જવાનોની હત્યા કરાયા બાદ આસામમાં કેટલાક નાગરિક સંગઠનો દ્વારા મિઝોરમની આર્થિક નાકાબંધી કરવામાં આવી છે. જેના કેટલાક દિવસો બાદ આ ઘટના બની છે.આસામના હેલાકાંડી જિલ્લાની સ્કૂલમાં થયેલા વિસ્ફોટના કારણે સ્કૂલની ઈમારતને નુકસાન થયુ છે. સ્કૂલથી બોર્ડર ૫૦૦ મીટર જ દૂર છે. લોકોએ ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં પણ આ જ જિલ્લની અન્ય એક સ્કૂલમાં બે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બંને રાજ્યો વચ્ચે ૧૬૫ કિલોમીટર લાંબી સીમા છે અને તેને લઈને બંને રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ ૨૬ જુલાઈએ વકર્યો હતો અને બંને રાજ્યોની પોલીસ આમને સામને આવી ગઈ હતી. જેમાં મિઝોરમ પોલીસના ફાયરિંગમાં આસામ પોલીસના ૬ જવાનોના મોત થયા હતા.