વડોદરા : વડોદરામાં આજે ૪૧.૪ ડિગ્રી તાપમાન સાથે આકરી ગરમી અનુભવાઈ હતી. જાે કે, બપોર બાદ એકાએક વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીની સાથે ઉકળાટથી લોકો પરેશાન થયા હતા. બપોરના સમયે ડભોઈ પંથકના કેટલાક ગામોમમાં ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરી હતી.

અનિશ્ચિત બનેલા ઋતુચક્ર વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવી રહ્યો છે. જાે કે, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આકરી ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા હતા. આજે પણ સવારથી આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી અને મિનિ લૉકડાઉનના કારણે બપોરના સમયે મોટાભાગના માર્ગો સૂમસામ જાેવા મળી રહ્યા હતા. જાે કે, બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવતાં વાદળિયા વાતાવરણ સાથે ઉકળાટ અનુભવાયો હતો. જાે કે, ડભોઈ તાલુકાના કેટલાક ગામોમાં બપોરના સમયે પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. પરંતુ કમોસમી માવઠાને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૨૯.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૫૯ ટકા જે સાંજે ૩૦ ટકા અને હવાનું દબાણ ૧૦૦૨.૧ મિલિબાર્સ અને પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૯ કિ.મી. નોંધાઈ હતી.