જાણીતા સિંગરને લગ્ન પહેલા આવી આર્થિક તંગી,કામ ન મળ્યુ હોત તો બાઇક વહેંચુ પડત!
15, ઓક્ટોબર 2020

મુંબઇ 

સિંગર તથા ટીવી હોસ્ટ આદિત્ય નારાયણ ટૂંક સમયમાં પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવાનો છે. જોકે, હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે કહ્યું હતું કે તેના ખાતાંમાં માત્ર 18 હજાર રૂપિયા છે અને જો તે આ મહિનેથી કામ શરૂ નહીં કરે તો ગુજરાન ચલાવવા માટે તેણે પોતાનો સામાન વેચવો પડશે.

વેબ પોર્ટલ બોલિવૂડ બબલ સાથેની વાતચીતમાં આદિત્યે કહ્યું હતું, 'જો સરકાર લૉકડાઉન વધારશે તો લોકો ભૂખે મરશે. મારી બચત પૂરી થઈ ગઈ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હતું પરંતુ તે પૈસા પણ લઈ લીધા છે.'

વધુમાં આદિત્યે કહ્યું હતું, 'કોઈએ વિચાર્યું નહોતું કે હું એક વર્ષ સુધી કામ નહીં કરું. કોઈ આ રીતે પ્લાન કરતું નથી. જ્યાં સુધી તમે અબજોપતિ ના હો તો તમારી પાસે કોઈ અન્ય વિકલ્પ રહેતો નથી. મારા ખાતાંમાં માત્ર 18 હજાર રૂપિયા છે.'

આદિત્યે આગળ કહ્યું હતું, 'જો હું આ મહિનાથી એટલે કે ઓક્ટોબરથી કામ શરૂ નહીં કરું તો મારી પાસે હવે પૈસા જ નથી. મારે મારું બાઈક કે પછી ઘરનો સામાન વેચવો પડશે. આ બહુ જ મુશ્કેલ છે. જોકે, અંતે તમારે કેટલાંક કઠોર નિર્ણય લેવા જ પડશે. જો તમે કઠોર નિર્ણય લો છો તો ચોક્કસ વર્ગ તમારા આ નિર્ણયને ખોટો જ કહેશે.'

થોડાં દિવસ પહેલા જ આદિત્યે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્નની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેઓ ફિલ્મ 'શાપિત'ના સેટ પર મળ્યા હતા અને પહેલી નજરમાં એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં. શરૂઆતમાં તેઓ માત્ર મિત્ર બનીને રહ્યા હતા. જોકે, પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં હતાં.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution