નડિયાદ : નડિયાદનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાતો આરઓ પ્લાન્ટ વારંવાર વિવાદનું મૂળ બની રહ્યો છે. અગાઉ આરઓ પ્લાન્ટની ગ્રાન્ટના વપરાશ કરતાં ૩૦ ટકા જ કામ થયુ હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો, ત્યારે હવે આ પ્લાન્ટ માટે નગરપાલિકા દ્વારા ખેડૂતોની અધિગ્રહણ કરાયેલી જમીનના મુદ્દે સરકારને ગ્રહણ લાગે તેવી શક્યતાઓ છે. 

આ સમગ્ર ઘટનામાં મળતી વિગતો મુજબ, નડિયાદ શહેરના મૌખાદ તલાવડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નગરજનોના હિતાર્થે ૨૦૧૨માં આરઓ પ્લાન્ટનો પાયો નખાયો હતો, પરંતુ આ પ્લાન્ટ મૌખાદ તલાવડી વિસ્તારના અનેક ખેડૂતો માટે શ્રાપરૂપ બન્યો છે. પ્લાન્ટ માટે નગરપાલિકા દ્વારા વિસ્તારના અનેક ખેડૂતોની જમીનો અધિગ્રહણ કરાઈ હતી. ૨૦૧૨માં જવાબદાર અધિકારીઓ અને નડિયાદના મોટા રાજકીય આગેવાનો દ્વારા ખેડૂતો સાથે સમજાવાટ કરી તેમને ૬ મહિનામાં બીજે જમીનો આપવાની બાયધરી આપી જમીનો અધિગ્રહણ કરી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. જાેકે, ૮-૮ વર્ષ વિત્યા બાદ પણ તેમને કઈ જગ્યાએ જમીનો ફાળવવામાં આવશે, તે અંગે ર્નિણય લેવાયો નથી, તેવો આ ખેડૂતોનો દાવો છે.

ઉપરાંત છેલ્લાં ૪ વર્ષથી પાલિકા દ્વારા જમીનો અધિગ્રહણ કરી તેમાં આરઓ પ્લાન્ટનું કામ પણ ચાલંુ કરી દીધું છે, જેથી ખેડૂતોને પોતાની જ જમીનમાં ખેતીકામ બંધ થઈ ગયું છે. આ ખેતી થકી પોતાની આવક અને પેટીયંુ રળતાં ખેડૂતો પાસેથી નગરપાલિકાએ જમીન આંચકી લીધાં બાદ તેમને અન્ય જગ્યાએ જમીન ફાળવવમાં નગરપાલિકા દ્વારા લાલીયાવાડી કરતાં ખેડૂતો રોષે ભરાયાં છે. આ અનુસંધાનમાં આજે મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમ પહેલાં સ્થળ ચકાસણી કરવા આવેલા જિલ્લા કલેક્ટર આઈ. કે. પટેલ, મામલતદાર, ચીફ ઓફિસર, અધિક કલેક્ટર ઉપરાંત મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સમક્ષ ખેડૂતો પહોંચી ગયાં હતાં. જ્યાં તેમણે પોતાની જમીનો છીનવી લીધાં બાદ તેમને અન્ય જગ્યાએ જમીન ન ફાળવવા મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ જમીન વહેલીતકે ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેથી વિરોધના વાવટા ફરકતાં જાેઈ અધિકારીઓ અને ઉપસ્થિત પદાધિકારીઓએ ખેડૂતોને આશ્વાસન આપી તેમનો રોષ શાંત કર્યો હતો. તેમજ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા ખેડૂતોને તાત્કાલિક જમીન ફાળવવાની ફરી એકવાર બાયધરી આપી હતી. બીજી તરફ ખેડૂતોના જણાવ્યાં મુજબ, અગાઉ પણ આ પ્રકારે આશ્વાસન આપવામાં આવ્યા હતા, પરંતુ તેની પર હજુ સુધી અમલ થયો નથી. પરિણામે ખેડૂતો દ્વારા આગામી ૧૦ તારીખે મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમ દરમિયાન રજૂઆત કરવા તખતો ગોઠવાઈ રહ્યો છે. આ ઉપરાંત સામી ચૂંટણી આવી રહી હોવાથી ચૂંટણીના બહિષ્કારની પણ ખેડૂતો અને વિસ્તારના લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ સમગ્ર મુદ્દો નડિયાદના રાજકારણ પર આગામી દિવસોમાં અસર કરશે, તેવો માહોલ ઊભો થયો છે.