અમરેલી, અમરેલીના ચિતલ ગામે રહેતા એક યુવકને તેજ ગામે રહેતા હરેશ પરશોતમભાઈ પંડયા તથા મનિષ હરેશ પંડયા નામના ઈસમો એક અઠવાડિયા પહેલા રિવોલ્વર જેવું કંઈક હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપેલ હોય, આ અંગે અમરેલી તાલુકા પોલીસમાં ગત તા.૨૩ના રોજ પોલીસ ફરિયાદ નોંધાયેલ જે બનાવમાં બન્ને આરોપી નાશી ગયા હોય, અને આરોપીને શોધી કાઢવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઠેર ઠેર તપાસ કરતી હોય, ત્યારે તેમને મળેલ બાતમીના આધારે આ બનાવના બે આરોપી મળી કુલ ૪ ઈસમો ગેરકાયદેસરના હથિયારોની ખરીદ વેચાણ કરવા ભેગા થયેલાઓને વિદેશી બનાવટની રિવોલ્વર, દેશી તમંચા નંગ-ર, નાના મોટા કાર્ટીસ નંગ-૮૬, ફોન નંગ-૩ તથા કાર મળી કુલ ૫,૩૯,૮૦૦નો મુદામાલ કબ્જે લઈ પોલીસે ઝડપાયેલ હરેશ પંડયા, મનિષ પંડયા, જયપાલસિંહ ફોરનસિંહ ચૌહાણ તથા સુજાનસિંહ બનવારીલાલ કુસવાહ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારી થોરડી ગામે રહેતા અને ખેતમજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ મધુભાઈ પરમાર તથા તેમના ભત્રીજા શૈલેશભાઈ બેચરભાઈ પરમાર વચ્ચે સહિયારી જમીન હોય અને આંબરડી ગામે સહકારી બેન્કમાંથી રૂા. ૧,૦૨,૦૦૦ લોન લીધેલ હોય જેના હપ્તાઓ શૈલેશ પરમાર સહિતનાં લોકો ભરતા ન હોય. જેથી તેમને હપ્તા ભરવાનું કહેતા તેમના ભાભી સહિત ૪ લોકોએ લક્ષ્મણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી મુંઢમાર મારી ઈજા કર્યાની ફરિયાદ ટાઉન પોલીસમાં નોંધાઈ છે.

આપઘાત  અમરેલીનાં રોકડીયાપરામાં રહેતા વર્ષાબેન રમેશભાઈ મકવાણા નામનાં ૪૧ વર્ષીયમહિલાએ ગત તા. ર૭નાં રાત્રીનાં સમયથી તા. ર૮નાં બપોર સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મોત નિપજયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ગૌવંશની હત્યા  મોટા ખાટકીવાડમાં રહેતા વલીભાઈ કાલવા, ફારૂક કાલવા નામનાં બે ઈસમોએ પોતાનો આર્થિક ફાયદો મેળવવાનાં ઈરાદે ગૌવંશ વાછરડાની કતલ કરી તેનું લોહી તથા અન્ય ખરાબ ખરાબ કચરો પાલિકાની ખુલ્લી ગટરમાં નાખી જાહેરમાં ઉપદ્રવ ફેલાવી તથા પશુ પાડાને ઘાસચારા કે પાણીની સગવડતા કર્યા વગર કતલ કરવાનાં ઈરાદે ક્રુરતાપૂર્વક બાંધી રાખેલ હોય. આ અંગે સીટી પોલીસે આ બન્ને ઈસમ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.