વડોદરા રેલવે સ્ટેશને રોકાયેલી ટ્રેનમાંથી પાંચ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયાં
27, એપ્રીલ 2025

વડોદરા, પહેલગામમાં નિર્દોષ ટુરિસ્ટો પર થયેલા હુમલા બાદ દેશના તમામ રાજ્યોની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી. ગુજરાત પોલીસની વાત કરીએ તો રાજ્યના જુદાજુદા શહેરો અને જિલ્લાઓમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધીને તેમની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. વડોદરા રેલવે પોલીસે પણ આજે કલકત્તાથી આવતી હાવરા એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં બે બાળકો અને એક મહિલા સહિત કુલ પાંચ બાંગ્લાદેશી ઝડપાઈ ગયા હતા. પાંચમાંથી ચાર બાંગ્લાદેશી એક જ પરિવારના સદસ્યો છે. જેમાં માતા-પિતા અને બે સંતાનોનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક ઈસમ પણ બાંગ્લાદેશી હોવાનુ જાણવા મળ્યુ હતુ. વડોદરા રેલવે પોલીસે પાંચે જણાની અટકાયત કરીને તેઓની પુછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પુછપરછમાં તેઓએ કબુલાત કરી હતી કે, બાંગ્લાદેશમાં પારાવાર ગરીબી અને બેરોજગારીથી કંટાળીને તેઓ દસ મહિના પહેલા એજન્ટ મારફતે ભારતના પશ્ચિમ બંગાળમાં ઘુસી આવ્યા હતા. ત્યારપછી જુદાજુદા રાજ્યોમાં ફરતા ફરતા છેક ગુજરાત આવી પહોંચ્યા હતા. ગુજરાતના અમદાવાદમાં તેઓ કચરો વીણવાનું કામ કરે છે. કચરામાંથી નાનું-મોટું લોખંડ ભંગાર મેળવીને તેને વેચીને ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પતિ-પત્ની અને બે સંતાનો છે.  જ્યારે હાવરા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપાયેલો વધુ એક વ્યક્તિ પણ એજન્ટ મારફતે બાંગ્લાદેશ બોર્ડર પરથી ગેરકાયદે રીતે ભારતમા ઘુસી આવ્યો હતો. અહીં પણ એને રોજગાર નહીં મળતા તેણે સુરતમાં ભીક્ષાવૃત્તિ શરૂ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં ઓહીદુલ રૂસ્તમ શેખ, ૫રવિન ઓહીદુલ શેખ,મારૂ૫ ઓહીદુલ શેખ,શાહરૂખ ઓહિદુલ શેખ ( ચાર હાલ રહે.-ચંડોળા તળાવ પાસે, મોઇદર બાબાની દરગાહ પાસે, અમ્મા મૂરજીદની ગલીમાં, ઇસનપુર રોડ, અમદાવાદ, મુળ રહે.ગામ-ભાયડાંગા, થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ) અને મોહમદ શેરઅલી મોહમદ લૂતપાર શેખ (હાલ રહે.-સિદ્ધાર્થ ટોકિઝની પાછળ, અડાજણ પાટીયા, ઝૂંપડપટ્ટીમાં, સુરત મુળ રહે.ગામ-સીતારામપુર ચોક, પોસ્ટ-થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ)નો સમાવેશ થાય છે.

ચાર બાંગ્લાદેશી અમદાવાદમાં કચરો વીણતાં હતાં

વડોદરા રેલવે પોલીસના પીઆઈએ જણાવ્યુ હતુ કે ૨૬મીએ રાત્રે અમે હાવરા એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરી રહ્યા હતા. જે દરમિયાન અમને બે બાળકો અને એક મહિલા સહિત પાંચ જણાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તમામની પાસેથી અમે ભારતીય હોવાના આધાર પુરાવા માંગ્યા હતા. પરંતુ, તેમની પાસે કોઈ કાગળો ન હતા. એમની ભાષા બાંગ્લા હતી એટલે અમને શંકા ગઈ હતી. આખરે, તેઓએ કબુલાત કરી હતી કે તેઓ ભારતીય નહીં પરંતુ, બાંગ્લાદેશી છે એટલે એમની અમે અટકાયત કરી હતી. તેઓ છેલ્લા દસ મહિનાથી ગુજરાતમાં છે. એક પરિવાર અમદાવાદમાં કચરો વીણવાનું કામ કરે છે અને બીજાે એક વ્યક્તિ સુરતમાં ભિક્ષાવૃત્તી કરીને ગુજરાન ચલાવે છે. અમે તમામને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

એક વર્ષ પહેલાં વડોદરાથી પકડાયેલા બાંગ્લાદેશીઓ હજી એસઓજીની કસ્ટડીમાં

એક વર્ષ પહેલા વડોદરા પોલીસે પાંચ બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા હતા. પાંચેય જણા ગેરકાયદે રીતે ભારતમાં ઘુસ્યા હોવાનુ પુરવાર થયુ હતુ. જેથી તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આખીય તપાસ અને કાર્યવાહી પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગૃપ કરતુ હતુ. જેથી પાંચેય જણાની કસ્ટડી પણ એસઓજી પાસે જ હતી. છેલ્લા એકવર્ષથી પાંચેય બાંગ્લાદેશી સ્પેશિયલ ઓપરેશન ગૃપની કસ્ટડીમાં છે. પણ હજીસુધી એમને ડિપોર્ટ કરવાનો હુકમ આવ્યો નથી. સામાન્ય રીતે આવા ઘુસણખોરોને કચ્છના ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવતા હોય છે. પણ વડોદરામાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓને હજીસુધી ડિટેન્શન સેન્ટરમાં મોકલાયા નથી. અન્ય દેશના ઘુસણખોરોને તેમના દેશમાં પાછા ડોપોર્ટ કરવાનો પ્રોસેસ એટલો લાંબો હોય છે કે, એના માટે વર્ષો લાગી જાય છે. બાંગ્લાદેશી નાગરિકોને પણ જાે પાછા મોકલવા હશે તો એને માટે દેશનું એક્ટર્નલ અફેર અને હોમ ડિપાર્ટમેન્ટની મંજૂરી જરૂરી હોય છે. ઉપરાંત, બાંગ્લાદેશની સરકારને પણ આ બાબતની જાણકારી આપવી પડતી હોય છે અને એમની ફાઈનલ મંજૂરી પછી જ ડિપોર્ટેશનની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution