વડોદરા, તા. ૨૧

દંતેશ્વર વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનના બોગસ દસ્તાવેજાે બનાવીને જમીન પચાવી પાડ્યા બાદ આ જમીન પર વ્હાઈટ હાઉસ નામે બંગલા-મકાનોની સ્કીમ શરૂ કરી ઠગાઈ કરનાર ભુમાફિયા ત્રિપુટીને આજે કોર્ટમાં રજુ કરાતા ત્રણેય આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો. આ બનાવની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી તેમજ મામલતદારે ત્રણેય આરોપીઓને સાથે રાખી પચાવી પાડેલી સરકારી જગ્યાનું પંચનામુ કરી આરોપીઓએ ખરેખરમાં કેટલી જમીન પચાવી પાડી છે તેની વિગતો મેળવી હતી.

દંતેશ્વર (દક્ષિણ) સર્વેનંબર-૫૪૧વાળી કરોડો રૂપિયાની વિશાળ જગ્યા સરકારી હોવા છતાં ભુમાફિયા ટોળકીના સંજય બચુસિંહ પરમાર , તેની પત્ની લક્ષ્મીબેન (લક્ષ્મી નિવાસ બંગ્લો, ડી-માર્ટ પાછળ, વાઘોડિયારોડ) અને શાંતાબેન ઉર્ફ ગજરાબેન બચુભાઈ રાઠોડ (નવરંગપુરા હાઉસીંગ, સમતા, ગોરવા )એ ઉક્ત સરકારી જમીન પોતાની માલિકીની છે તેવું દર્શાવી વારસદારો ઉભા કર્યા હતા. તેઓએ ભેગા મળીને કલેકટરના બોગસ ટેનન્સી હુકમ, બિનખેતી હુકમ, રજાચિટ્ઠી અને ટીપી ફોર્મ-એફ સહિતના દસ્તાવેજાે બનાવ્યા બાદ બોગસ વારસદાર શાંતાબેન ઉર્ફ ગજરાબેને ઉક્ત જમીનનો લક્ષ્મીબેન પરમારને દસ્તાવેજ કરી આપતા આ સરકારી જગ્યા પર સંજય પરમાર અને તેની પત્ની લક્ષ્મીબેને વ્હાઈટ હાઉસ નામે બંગલા મકાનોની સ્કીમ શરૂ કરી અલગ અલગ ગ્રાહકોને અલગ અલગ કિંમતમાં ૫૩ જેટલા સબપ્લોટ પાડી તેનું વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી કરોડો રૂપિયાનું કૈાભાંડ આચર્યું હતું. આ બનાવની રેવન્યુ અધિકારીએ ક્રાઈમ બ્રાન્ચમાં લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પરમાર તેની પત્ની લક્ષ્મીબેન અને બોગસ જમીનમાલિક શાંતાબેનની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સંજય પરમાર અગાઉ રાવપુરા પોલીસ મથકમાં પણ મિલ્કતના બોગસ દસ્તાવેજાે બનાવવાના ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો મળી હતી. આ બનાવની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી એચ.એ.રાઠોડ તેમજ રેવન્યુ અધિકારી અને પંચોની હાજરીમાં ત્રણેય આરોપીઓને સાથે રાખી ઉક્ત વિવાદીત જમીનનું પંચનામુ કરી પચાવી પાડેલી જગ્યાની વિગતો મેળવાઈ હતી. ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી. આરોપીઓ પાસેથી હજુ બોગસ દસ્તાવેજાે કબજે કરવાના બાકી છે, તેઓએ કોમ્પ્યુટર પર તેમજ દસ્તાવેજાે બનાવ્યા હોઈ કોમ્પ્યુટરની તેમજ પેપર અને સ્ટેમ્પની તપાસ કરવાની છે, આ જમીન પર પહેલા કાનન વિલા અને ગજાનંદ સોસાયટીની સ્કીમ બહાર પાડી બોગસ રજાચિઠ્ઠી બનાવેલી જે કેવી રીતે બનાવી ?, ૫૩ સબપ્લોટ વેચાણ માટે દસ્તાવેજાે કરવામાં કોણે કોણે મદદગારી કરી છે ?

 સરકારી જમીન વેચાણથી કોના ભાગમાં કેટલા નાણાં આવ્યા છે અને તે ક્યાં સગેવગે કર્યા છે અને સરકારી કર્મચારી-અધિકારીએ પણ લાભ મેળવવા માટે આરોપીઓને મદદ કરી હોવાની શંકા હોઈ તેની તપાસ કરવાની બાકી હોઈ મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણેય આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો.

વ્હાઇટ હાઉસ લેન્ડ ગ્રેબિંગ મામલે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના ગંભીર આરોપ

શહેરનાં દંતેશ્વર વિસ્તારમાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીન પર ખોટા દસ્તાવેજાે બનાવી જમીન હડપ કરી તેના પર કોમર્શિયલ બાંધકામ સ્કીમો કરી ઝે કોભાંડ આચરવામાં આવ્યુ છે તેમાં સંડોવાયેલા તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહીની માંગ મનપાનાં પુર્વ વિપક્ષ નેતા ચંદ્વકાંન્ત શ્રીવાસ્તવે કરી છે, તેમણે જણાવ્યુ હતુ કે મે આ સરકારી જમીન કોભાંડ અંગે તમામ લેખિત પુરાવાઓ સાથે કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, અને પોલીસ કમિશનર ને જાણ કરી હતી, તો મારા નામથી ફરીયાદ કેમ કરવામાં ન આવી તેવો પ્રશ્ન સાથે કલેકટર ને સુઓમોટો કરવાની કેમ જરૂર પડી તેમ કહી સમગ્ર મામલો પોલીસ સહિત સરકાર દ્વારા રફેદફે કરવાનો કારસો રચાયો છે તેવા આરોપો કર્યા હતા. ત્યારે આ મામલે પોલીસ ગંભીરતાથી તપાસ કરે તેવી માંગ તેમણે કરી હતી.