રાજપીપલા, તા.૧૨

 સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૧૨ મી ઓગષ્ટ,૨૦૨૨ ના રોજ ૧૩૩.૯૫ મીટર અને પ્રવાહ ૧૯૬૩૧૬ ક્યુસેક હતો.જ્યારે આર.બી.પી.એચ ૪૪૦૦૨ ક્યુસેક અને ૭૪૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.દર કલાકે આશરે સરેરાશ ૦૩ થી ૦૪ સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે.જ્યારે ડેમમાં આશરે સરેરાશ ૧.૯૫ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે.આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૭૮૬૧ મિલીયન ક્યુબીક મીટર (એમ.સી.એમ) નોંધાયેલ છે. આશરે છેલ્લા ૨૫ દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં આશરે છેલ્લા ૨૫ દિવસથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે.આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે હતી. હાલમાં છેલ્લા ૨૫ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતની ૨૦ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે.આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૪ કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં આજની સ્થિતિએ હાલમાં ૪.૮ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ આજથી સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનુ ૪.૮ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૨૦ હજાર ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.અગમચેતી પગલાના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં છે અને સંબંધ કર્તા તમામ વિભાગોને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતાને અનુલક્ષીને વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે તકેદારીના ભાગ રૂપે નર્મદા કાંઠાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના આપી છે.આ ત્રણેય તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને નદી કાંઠાથી સલામત અંતર રાખવા અને સાવધ રહેવા અનુરોધ કર્યો છે.જરૂર પડ્યે નદી કાંઠા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા અને તમામ કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં રહેવા જણાવવામાં આવ્યું છે. એસ.એસ.પી.ફ્લડ કંટ્રોલ સેલના શિફ્ટ ઇન્ચાર્જ દ્વારા નિયંત્રણ કક્ષને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ગઇ કાલે સાંજના સાત વાગે સરદાર સરોવર ખાતે પાણીની સપાટી વધીને ૧૩૨.૮૬ મીટર થઈ છે અને બંધનો જળ ભંડાર ૮૦ ટકાથી વધુ ભરાયો છે.આ સપાટીને ચેતવણીની સપાટી ગણવામાં આવે છે.બંધની પૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટર છે જ્યારે બંધ ૧૦૦ ટકા ભરાઈ જાય છે.