વડોદરા, તા.૩૦

બે વર્ષ અગાઉ વાહન પાર્ક કરવા બાબતે થયેલા ઝઘડામાં તાંદલજાના રિક્ષાચાલકની હત્યા થઈ હતી, જેનો કેસ અદાલત સમક્ષ ચાલી જતાં એક જ પરિવારના પાંચને જનમટીમની સજા કોર્ટે ફટકારી છે. ર૦૧૮માં તાંદલજા વિસ્તારમાં આવેલી કબીર ચિકન શોપના સંચાલક જાેડે પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલી બાદ રિક્ષાચાલક ઈલ્યાસની હત્યા કરવામાં આવી હતી. અત્રેની સેશન્સ કોર્ટ સમક્ષ જે.પી. રોડ પોલીસે ૩૦ જેટલા સાહેદોના નિવેદનો, સોગંદનામા, મૌખિક પુરાવા, દસ્તાવેજી પુરાવા, એફએસએલનો રિપોર્ટ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ, ૬૦ જેટલા મહત્ત્વના પુરાવાઓ અને મુદ્‌ા ઉપસ્થિત કર્યા હતા. જેના આધારે ૧૦મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ યોગેશકુમાર ભાવસારે મહત્ત્વનો ચુકાદો આપી રિક્ષાચાલકની હત્યામાં કસૂરવાર ઠેરવી એક જ પરિવારના પાંચ જણાને જનમટીમની સજા આપી છે.

આ અંગે મળતી માહિતી મુજબ બે વર્ષ અગાઉ એટલે કે તા.૨૨-૭-૧૮ના રોજ રિક્ષા ડ્રાઇવિંગ કરતા યાસીન ભોલાભાઇ મેમણે (ઉં.વ.૪૭) (રહે. આમીર કોમ્પલેકસ, તાંદલજા રોડ) નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ તાંદલજા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ખતીજા અને ૩ સંતાનોમાં હારૂન, ઇલ્યાસ અને સાજિદ અન્ય બે ભાઇઓ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. આમીર કોમ્પલેકસના ગ્રાઉન્ડ ફ્લોર પર કબીર ચિકન શોપ નામની દુકાન આવેલી છે. એક મહિના પહેલા રિક્ષા ડ્રાઇવિંગ કરતા પુત્ર ઇલ્યાસ અને કબીર ચિકન શોપવાળા ફારૂકભાઇ તથા તેના ભાઇ મુન્નાભાઇ અને ફારૂકના દીકરા ફરહાન સાથે દુકાને આવતા ગ્રાહકોને વાહનો વ્યવસ્થિત પાર્ક કરાવવા બાબતે બોલાચાલી થઇ હતી.

૨૨ માર્ચના રોજ બપોરે ઇલ્યાસ અને સલીમભાઇની દીકરી મુસ્કાન તથા અન્ય પરિવારજનો તરસાલી ખાતે આવેલ સ્વજનના ઘરે ગયા હતા, જ્યાંથી સાંજે ૬ વાગ્યે પરત આવ્યા હતા. દરમિયાન આમીર કોમ્પલેકસમાં પાર્કિંગ એરિયામાં રિક્ષા મુકવા માટે જગ્યા નહિ હોવાને કારણે કબીર ચિકન શોપ ધરાવનારા ફારૂક, મુન્નાભાઇ તથા ફરહાનને તેમના ગ્રાહકોને વાહનો વ્યવસ્થિત પાર્ક કરાવવા માટે જણાવ્યું હતું, જે મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો વધારે ન વધે તે માટે મુસ્કાન અને ફિરોજાબેન ફારૂકને પકડીને ઘરમાં લઇ ગઇ હતી.

બાદ સાંજે ૭ વાગ્યાની આસપાસ ઇલ્યાસ પડીકી ખાવા માટે નીચે ઉતર્યો હતો અને પરત ફર્યો ત્યારે કબીર ચિકન શોપવાળા ફારૂકે ઇલ્યાસને બાઇકના સ્ટિયરીંગમાં રાખેલું ચાકુ સંતાડી તેને રસ્તામાં રોક્યો હતો અને તેની સાથે બોલાચાલી કરી હતી. ઝઘડો આગળ વધતાં બૂમાબૂમ થઇ હતી. દરમિયાન ફારૂકભાઇએ તેના હાથમાં રહેલું ચાકુ ઇલ્યાસને છાતીમાં મારી દીધું હતું. દરમિયાન ફારૂકનો દીકરો ફરહાન, ભાઇ મુન્નાએ ત્યાં આવીને ઇલ્યાસને માર માર્યો હતો અને મારતાં મારતાં રોડ તરફ લઇ ગયા હતા. મુન્નાએ ઇંટ ઇલ્યાસના માથામાં મારી દીધી હતી અને અન્ય ઇલ્યાસને મુક્કા વડે માર મારતા રહ્યા હતા. ઇલ્યાસને રેતીના ઢગલામાં ફેંકી દેતાં તેને લોહી નિકળવાનું શરૂ થઇ ગયું હતું. ત્યાંથી ઊભો થઇને ઇલ્યાસ ઇંટોના ઢગલાની પાછળ ઢળી પડ્યો હતો. ત્યાર બાદ ફરહાને ઇંટ ઉપાડીને મુસ્કાનને મારવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, મુસ્કાન ત્યાંથી નાસી છૂટી હતી. આ ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત ઇલ્યાસને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાતાં ઇલ્યાસને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ફારૂકભાઇ અબ્દુલગફુર શેખ, તેમની પત્ની ફરીદા, દીકરો ફરહાન, ભાઇ મુન્નોે તથા નોકર પરવેઝ ઉર્ફે ટકલો (તમામ રહે તાંદલજા) સામે ફરિયાદ નોંધાઇ હતી. આજરોજ વડોદરાની કોર્ટમાં બંને પક્ષને સાંભળી કોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. જેમાં ઇલ્યાસની હત્યામાં સંડોવાયેલા એક જ પરિવારની મહિલા સહિત પાંચને જન્મટીપની સજા સંભળાવવામાં આવી છે અને તમામને મળીને રૂા. ૬૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઈલ્યાસ પડીકી ખાવા ઘરેથી નીકળ્યો અને પાંચ જણાએ તૂટી પડી હત્યા કરી નાખી હતી

શહેરના જે.પી. રોડ પોલીસ મથકે તા.૨૨-૭-૨૦૧૮ના રોજ મૃતકના પિતા યાસીનભાઈ ભોલાભાઈ મેમણે પુત્ર ઈલ્યાસની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, એક મહિના અગાઉ કબીર ચિકન શોપવાળા ફારૂકભાઈ અને મુન્નાભાઈ, ફારૂકનો દીકરો ફરહાન સાથે પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો જે રરમીએ ફરી થતાં સાંજના સમયે મારો પુત્ર જમીને નીચે પડીકી ખાવા માટે આવતાં જ ફારૂકે બાઈકમાં મુકેલા ચપ્પુ વડે હુમલો કરી મારા પુત્રની હત્યા કરી નાખી હતી.