અમદાવાદ-

કોંગ્રેસમાં ડેમેજની સ્થિતિને ધ્યાને લઇને તેના પર કંટ્રોલ મેળવવા માટે છત્તીસગઢના ગૃહ પ્રધાન તામ્રધ્વજ સાહુ ગુજરાત દોડી આવ્યા છે. જ્યાં હાલની પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે અને સાથે જ તેનો ઉકેલ કેવી રીતે લાવવો તે સંગઠનોના નેતાઓ સાથે બેસીને વિચાર વિમર્શ કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી અંગે કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને ઉમેદવારોએ પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ટિકિટ ફાળવણી ની પાછળ લાખો રૂપિયા પક્ષના નેતાઓ દ્વારા લેવામાં આવ્યા છે. જે અંગે તામ્રધ્વજ સાહુએ જવાબ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ એ બહુ મોટી પાર્ટી છે. પાર્ટીમાં નારાજગી થતી રહેતી હોય છે. તેને દૂર કેવી રીતે કરવું તે પાર્ટીના સિનિયર નેતાઓ ને ખૂબ સારી રીતે આવડે પણ છે. તો બીજી તરફ ક્યાંક ચૂક રહી ગઈ હોય તો વર્તમાનમાં સુધારો કરવાની પણ જરૂર હોય છે.તામ્રધ્વજ સાહુએ જણાવ્યું હતું કે, અગાઉ પણ હું ગુજરાત આવ્યો હતો ત્યારે જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. તે દરમિયાન કોઇપણ જાતનો પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો અને ત્યારબાદ આ રીતનો પ્રશ્ન ઉપસ્થિત થતાં જ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મને આજે ગુજરાત મોકલવામાં આવ્યો છે. હું એક રિપોર્ટ તૈયાર કરીશ અને તે હાઈ કમાન્ડને રજૂ કરીશ. આ સાથે ગુજરાત ચૂંટણી ઇન્ચાર્જ હોવાના નાતે બેઠક કરી ઉકેલ કેવી રીતે લાવવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.