અમદાવાદ-

ગુજરાત પર સંભવિત તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડું 150 કી.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે જેના પગલે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકા હાંસોટ, જંબુસર અને વાગરાના 29 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 350થી વધુ બોટ કિનારે લંગારવામાં આવી છે. સ્થાનિક માછીમાર અગ્રણી પ્રવીણ ટંડેલે જણાવ્યું હતું કે તંત્ર તરફથી સૂચના મળતા માછીમારોને પરત બોલાવાઇ રહ્યા છે.

દરિયામાં દુરવર્તી વાવાઝોડાના પગલે દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દહેજ બંદરે મોટા કેમિકલ યુનિટ સાથે વાઈટલ ઈન્સ્ટોલેશન આવેલા છે જ્યાં ઔદ્યોગિક એકમોને પણ જરૂરી સૂચના આપી દેવામાં આવી છે. ભરૂચ પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિએ જણાવ્યું હતું કે વાવાઝોડાની સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને દરિયાકાંઠાના ગામના લોકોનો સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે સાથે જ કલેકટર ડો.એમ.ડી.મોડિયા દ્વારા રીવ્યુ મિટિંગ પણ કરવામાં આવી રહી છે. ભરૂચના જંબુસર તાલુકાના કાંઠાના ૧૪ ગામોના અગ્રણીઓ અને તલાટીઓની એક બેઠક યોજવામાં આવી હતી. અગરમાં કામ કરતા કામદારો વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય તો મુશ્કેલીમાં મુકાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી બીજી તરફ દહેજ, મેરિન , જંબુસર અને હાંસોટના કાંઠા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી બિનજરૂરી કોઈ સમુદ્ર કાંઠા તરફ ન જાય તેની દેખરેખ શરૂ કરી છે.