ગાંધીનગર, તા. ૧૪

રાજયમાં છેલ્લા બે વર્ષમાં સિંહ અને દીપડા દ્વારા કરાયેલા હુમલામાં ૩૪ વ્યક્તિના મોત નિપજ્યાં છે, જ્યારે ૨૨૯ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. સરકાર દ્વારા સિંહ-દીપડાના હુમલામાં માનવ મૃત્યુ માટે વળતર પેટે રૂ.૧.૫૩ કરોડ અને ઇજાગ્રસ્તો માટેને વળતર પેટે રૂ.૧૪.૬૦ લાખની રકમ ચૂકવાઈ હોવાનું વન અને પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જણાવ્યુ હતું.

વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન જામનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સવાલ કર્યો હતો કે, તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજયમાં સિંહ તથા દીપડા દ્વારા કરાયેલા હુમલામાં કેટલા માનવ મૃત્યુના અને માનવ ઇજાના બનાવો બન્યા છે? અને ઉક્ત માનવ મૃત્યુ અને ઇજાના બનાવોમાં કુલ કેટલું વળતર ચૂકવવામાં આવ્યું છે?

જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, ઉક્ત સ્થિતિ રાજયમાં છેલ્લા બે વર્ષમાં સિંહ દ્વારા કરાયેલા હુમલામાં અનુક્રમે બે અને પાંચ મળીને કુલ પાંચ માનવ મૃત્યુ થયા હતા અને અનુક્રમે ૨૧ અને ૧૯ માનવ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ બે વર્ષમાં દીપડા દ્વારા કરાયેલા હુમલામાં અનુક્રમે ૧૫ અને ૧૨ માનવ મૃત્યુ થયા હતા અને અનુક્રમે ૧૦૫ અને ૮૪ માનવ ઇજાગ્રસ્ત થયા હતા. આમ છેલ્લા બે વર્ષમાં સિંહ અને દીપડા દ્વારા કરાયેલા હુમલામાં ૩૪ માનવ મૃત્યુ અને ૨૨૯ માનવ ઇજાના બનાવો બન્યા છે.

જ્યારે સિંહ દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં કુલ રૂ.૩૩ લાખનું અને દીપડા દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં રૂ. ૧.૨૦ કરોડનું વળતર ચૂકવાયું છે. જ્યારે સિંહ દ્વારા માનવ ઇજાના કિસ્સાઓમાં રૂ.૨,૨૭,૪૦૦/નું વળતર અને દીપડા દ્વારા માનવ ઇજાના કિસ્સાઓમાં રૂ.૧૨,૩૩,૩૦૦/નું વળતર ચૂકવાયું છે.