આણંદ : તાજેતરમાં તા.૨૬થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન તેલંગાણા ખાતે રાષ્ટ્રીય સ્તરની થાઇ બોક્સિંગ ફેડરેશન કપ તથા પ્રોનાઇટ ફાઇટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની ટીમમાંથી વિવિધ કેટેગરીમાં ૧૬ ફાઇટર્સ રાષ્ટ્રીય કક્ષાએ પોતાના કાંડાનું કૌવત દાખવીને કુલ ૬ ગોલ્ડ, ૬ સિલ્વર તથા ૧ બ્રોન્ઝ મળીને ૧૬માંથી કુલ ૧૩ કબજે કર્યાં હતાં. સમગ્ર ગુજરાતની ટીમમાંથી આણંદ પ્રતિભા એકેડેમી ખાતે ટ્રેનિંગ લઇ રહેલાં ૬ ફાઇટર્સ પસંદગી પામ્યાં હતાં, જેમાંથી ખેલાડીઓએ ર ગોલ્ડ, ૨ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવી નગરનું નામ રોશન કર્યું છે. યશ વાળંદ, મહેશ મોતીવરસે ગોલ્ડ, ચેતન ફુસકીયા, જ્યોત બારોટે સિલ્વર તથા ગુંજેશ માછીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આણંદ જિલ્લામાંથી એક સાથે ૪ ફાઇટર્સ એશિયન ગેમ્સ માટે પસંદગી પામ્યાં છે, જેમાં યશ વાળંદ, મહેશ મોતીવરસ, ચેતન ફુસકીયા તથા જ્યોત બારોટ એશિયન થાઇ બોક્સિંગ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.