સતત બીજા વર્ષે પણ નહીં યોજાય અંબાજી ચાચરચોકમાં નવરાત્રીના ગરબા
02, ઓક્ટોબર 2021

અંબાજી-

મા અંબેનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠ માનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે. જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસો સુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે. રાજ્ય સરકારે 400 માણસો સુધીની પરવાનગી આપી છે પણ આપ જે ફાઈલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોતા શક્તિપીઠ અંબાજી મંદિર ચાચરચોકમાં હજારોની મેદની જોવા મળી રહી છે ને આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તો કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી હોવાથી છેલ્લા 60 વર્ષથી મંદિર ચાચરચોકમાં ગરબાનું આયોજન કરતુ નવયુવક પ્રગતિ મંડળ આ વખતે સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ ન યોજવાનો નિર્ણય લીધા હોવાનુ નવ યુવક પ્રગતિ મંડળ અંબાજીના પ્રમુખ મહેશ પંડ્યાએ જણાવ્યું હતું.

મંદિર ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ ભલે મુલતવી રખાયો હોય પણ નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે ને રાબેતા મુજબ આરતીના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ શકશે. પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટ સ્થાપન કરી જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે તેમ અંબાજી મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ જયશીલ ઠાકરે જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution